Vadodara: વાઘોડિયા બ્રિજ નજીક વારંવાર ટ્રાફિક જામ બાદ તંત્ર એક્શનમાં, સતત ત્રીજા દિવસે દબાણ શાખાનું મેગા ઑપરેશન

રોડ સાઈડે આડેધડ પાર્ક કરેલા નાના-મોટા વાહનોને કારણે ટ્રાફિક જામની સમસ્યા અંગે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સમક્ષ ફરિયાદ થઈ હતી. જે બાદ હાઈવે ઓથોરિટી, ટ્રાફિક પોલીસની કાર્યવાહી

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 01 Aug 2025 04:24 PM (IST)Updated: Fri, 01 Aug 2025 04:24 PM (IST)
vadodara-news-vmc-team-demolition-drive-news-waghodia-bridge-after-traffic-jam-issue
HIGHLIGHTS
  • અગાઉ ગોલ્ડન અને દુમાડ ચોકડી પર દબાણ શાખાની કાર્યવાહી
  • હંગામી દબાણો દૂર કરીને બે ટ્રક જેટલો માલ જપ્ત કર્યો

Vadodara: વડોદરા નજીક અમદાવાદ-મુંબઈ હાઇવે પર જાંબુઆ વિસ્તારમાં વારંવાર ટ્રાફિકજામ સર્જાતા તંત્ર એક્શનમાં આવ્યું છે. પાલિકાની દબાણ શાખા દ્વારા ગોલ્ડન ચોકડી અને દુમાડ ચોકડી પર થયેલા ઓપરેશન્સ બાદ હવે ત્રીજું મેગા ઓપરેશન વાઘોડિયા બ્રિજની આસપાસ હાથ ધરાયું હતું.

વાઘોડીયા બ્રિજ નીચે અને આસપાસના વિસ્તારમાં હંગામી દબાણો તથા રોડ સાઈડે આડેધડ પાર્ક કરાયેલા નાના-મોટા વાહનોને કારણે ટ્રાફિકમાં અવરોધ ઉભો થતો હતો. આ સમસ્યા અંગે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સમક્ષ પણ ફરિયાદો થઈ હતી. જેના પગલે હાઇવે ઓથોરિટી, ટ્રાફિક પોલીસ અને મહાનગરપાલિકાની દબાણ શાખા સંયુક્ત રીતે મેદાનમાં ઉતરી છે.

કાર્યવાહીના ભાગરૂપે લારી, ગલ્લા, પથારા, ખુમચા અને ખાણીપીણીની લારીઓ સહિતના હંગામી દબાણો દૂર કરવામાં આવ્યા હતા. દબાણ શાખાની ટીમ દ્વારા બે ટ્રક ભરી માલ સામાન જપ્ત કરવામાં આવ્યો હતો.

આ કામગીરીની ખબર પડતા જ કેટલાક દબાણધારકોમાં ગભરાટ ફેલાયો અને તેઓ સ્થળ પરથી ભાગી છૂટ્યા હતા. માત્ર દબાણો જ નહીં, પરંતુ રોડની બંને બાજુ આડેધડ પાર્ક કરાયેલા વાહનચાલકો સામે પણ ટ્રાફિક પોલીસે કડક પગલા લીધા છે. અને મેમો ફટકારીને દંડની કાર્યવાહી કરવામાં આવી હતી.

ઓપરેશન દરમ્યાન આસપાસના દુકાનદારો અને વાહનચાલકો મોટી સંખ્યામાં ભેગા થયા હતા. જોકે સ્થાનિક પોલીસે સંયમપૂર્વક તેમને સ્થળ પરથી હટાવ્યા હતા. આ મેગા ઓપરેશનથી હાઇવે પર ટ્રાફિક વ્યવસ્થા સુધરવાની અપેક્ષા છે. તંત્રના જણાવ્યા મુજબ, આવી કાર્યવાહી આગામી દિવસોમાં અન્ય વિસ્તારોમાં પણ કરવામાં આવશે.