Vadodara News: વિશ્વામિત્રી નદીના શુદ્ધિકરણ માટે 23 સ્થળોએ 90 MLD દૂષિતજળ અટકાવાયું, વધુ 12 સ્થળો પર 16 MLD ગંદુ પાણી રોકાશે

શહેરમાં હાલ કાર્યરત જૂની ટેકનોલોજીવાળા STPને આધુનિક ટેકનોલોજીથી અપગ્રેડ કરવા માટે પાલિકા દ્વારા આશરે 300 કરોડનું આયોજન કરવામાં આવ્યું છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Thu, 04 Dec 2025 01:24 PM (IST)Updated: Thu, 04 Dec 2025 01:24 PM (IST)
vadodara-news-vishwamitri-river-pollution-control-speeds-up-90-mld-stopped-16-mld-more-to-be-blocked

Vadodara News: વડોદરા શહેરમાંથી વહેતી અને મગરોના નિવાસસ્થાન તરીકે ઓળખાતી વિશ્વામિત્રી નદી છેલ્લા કેટલાક વર્ષોથી વધતા પ્રદૂષણને કારણે ચિંતા સર્જી રહી છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) દ્વારા જાહેર કરાયેલી રાજ્યની દૂષિત નદીઓમાં વિશ્વામિત્રીને છઠ્ઠા સ્થાન પર સ્થાન મળતા નદી શુદ્ધિકરણ માટે વડોદરા મહાનગર પાલિકા દ્વારા હાથ ધરાયેલ કામગીરીને વધુ ગતિ આપવામાં આવી છે.

મહાનગર પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડૉ. શીતલ મિસ્ત્રી અનુસાર, વિશ્વામિત્રી નદીના શુદ્ધિકરણ માટે કોર્પોરેશન છેલ્લા બે વર્ષથી સતત પ્રયત્નશીલ રહ્યું છે. વર્ષ 2022-23 દરમિયાન નદીનું બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ (BOD) સ્તર 30 નોંધાયું હતું, જે નદીના પ્રદૂષણનું ગંભીર સૂચક છે. આ સ્થિતિમાં સુધારો લાવવા માટે પાલિકાએ વિશાળ સ્તરે કામગીરી હાથ ધરી હતી.

પ્રથમ તબક્કામાં 195 કરોડના ખર્ચે નદીમાં સીધું ગંદુ પાણી જતા 23 સ્થળોની ઓળખ કરવામાં આવી હતી અને તમામ સ્થળોએ મલિનજળ નદીમાં જતું અટકાવવામાં સફળતા મળી છે. આ કામગીરીથી પ્રતિદિન કુલ 90 MLD મલિનજળ વિશ્વામિત્રી નદી સુધી પહોંચતું રોકી દેવામાં આવ્યું છે, જે નદીના સ્વાસ્થ્યમાં સુધારો લાવવા મહત્ત્વપૂર્ણ પગલું ગણાય છે.

મહાનગર પાલિકા હવે બીજા તબક્કાની કામગીરી પણ શરૂ કરી રહી છે. આ તબક્કામાં વધુ 12 સ્થળોએ મલિનજળ નદીમાં ન જાય તે માટે પગલાં લેવામાં આવશે. આ કામગીરીનો અંદાજીત ખર્ચ 134.07 કરોડ રૂપિયા છે અને તેના દ્વારા વધુ 16 MLD ગંદુ પાણી નદીમાં જતું અટકાવી શકાશે.

નદી શુદ્ધિકરણ માટે માત્ર ગંદુ પાણી અટકાવવું પૂરતું નથી, પરંતુ સીવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ (STP)નું આધુનિકીકરણ પણ એટલું જ જરૂરી છે. શહેરમાં હાલ કાર્યરત જૂની ટેકનોલોજીવાળા STPને આધુનિક ટેકનોલોજીથી અપગ્રેડ કરવા માટે પાલિકા દ્વારા આશરે 300 કરોડનું આયોજન કરવામાં આવ્યું છે. આ તમામ પ્રયાસો દ્વારા વિશ્વામિત્રી નદીને આવતા સમયમાં સંપૂર્ણપણે શુદ્ધ અને પ્રદૂષણમુક્ત બનાવવાનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે.