Vadodara News:હાંસાપુરા પાસે વિશ્વામિત્રી નદીમાં કેમિકલયુક્ત દૂષિત પાણી ઠાલવવા સામે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાનો વન અને પર્યાવરણ મંત્રીને પત્ર

વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ વિશ્વામિત્રી નદીમાં કેમિકલયુક્ત પાણી છોડવા અંગે પર્યાવરણ મંત્રીને પત્ર લખ્યો છે. આ પ્રદૂષણથી હાંસાપુરા ગામના લોકોના સ્વાસ્થ્ય અને ભૂગર્ભ જળને ગંભીર ખતરો છે, જેના પર તાત્કાલિક કાર્યવાહીની માંગ કરાઈ છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Fri, 18 Sep 2026 11:57 PM (IST)Updated: Fri, 18 Sep 2026 11:57 PM (IST)
mla-dharmendrasinh-vaghelas-letter-to-the-minister-of-forest-and-environment-against-dumping-of-chemically-contaminated-water-in-the-vishwamitri-river-near-hansapura

Vadodara News:વાઘોડિયા વિધાનસભા ક્ષેત્રમાં આવેલી વિશ્વામિત્રી નદીમાં કેમિકલયુક્ત ઝેરી પાણી છોડાવાની ગંભીર સમસ્યા હવે સીધી રાજ્ય સરકારના દરબારમાં પહોંચી છે. વાઘોડિયાના હાંસાપુરા ગામ પાસેથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં આસપાસની વિવિધ કંપનીઓ દ્વારા મોટા પાયે પ્રદૂષિત પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો હોવાની વ્યાપક ફરિયાદો ઊઠી છે. આ સંદર્ભે વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાને લેખિત પત્ર પાઠવીને આ મામલે તાત્કાલિક હસ્તક્ષેપ કરવા અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

ધારાસભ્યએ પત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે વિવિધ ઔદ્યોગિક એકમો દ્વારા પ્રક્રિયા કર્યા વગરનું કેમિકલવાળું દૂષિત પાણી સીધું નદીમાં ઠાલવવામાં આવે છે. જેના કારણે સમગ્ર વિસ્તારમાં જળ અને વાયુ પ્રદૂષણમાં ભયજનક વધારો થયો છે. આ દૂષિત પાણીને લીધે નદી કિનારાના વિસ્તારોનું ભૂગર્ભ જળ પણ ઝેરી બની રહ્યું છે, જેનાથી હાંસાપુરા અને આસપાસના ગ્રામજનોના આરોગ્ય સામે ગંભીર ખતરો ઊભો થયો છે. સ્થાનિક નાગરિકોમાં ત્વચા અને શ્વાસ સંબંધિત બીમારીઓ વધવાની દહેશત વર્તાઈ રહી છે.

આ સમસ્યા અંગે સ્થાનિક નાગરિકો દ્વારા અગાઉ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB) વડોદરા કચેરી ખાતે વારંવાર લેખિત તથા મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી. આમ છતાં, તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવાતાં કે સંતોષકારક નિકાલ ન આવતાં લાંબા સમયથી પીડાતા ગ્રામજનોમાં ભારે અસંતોષ અને રોષની લાગણી વ્યાપી ગઈ છે.

ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પર્યાવરણ મંત્રીને ભલામણ કરી છે કે પર્યાવરણના નિયમોનું ઉલ્લંઘન કરી વિશ્વામિત્રી નદીને પ્રદૂષિત કરતી તમામ જવાબદાર કંપનીઓ સામે ત્વરિત અને આકરા કાયદાકીય પગલાં ભરવામાં આવે. નદીમાં અનધિકૃત રીતે છોડાતા દૂષિત પાણી પર તાત્કાલિક રોક લગાવવામાં આવે જેથી સ્થાનિક લોકોને પ્રદૂષણથી રાહત મળે અને વિશ્વામિત્રી નદીનું અસ્તિત્વ બચાવી શકાય.