પ્રશાંત ગજ્જર, વડોદરા: સ્માર્ટ સિટી વડોદરામાં સતત વધતી ટ્રાફિકની સમસ્યા અને જાહેર માર્ગો તેમજ ફૂટપાથ પર થતા આડેધડ પાર્કિંગને રોકવા માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા લોખંડી વલણ અપનાવવામાં આવ્યું છે. શહેરમાં રાહદારીઓ માટે બનાવવામાં આવેલા ફૂટપાથ પર ગેરકાયદેસર વાહન પાર્કિંગની સમસ્યાનો કાયમી નિકાલ લાવવા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
ઉચ્ચ સ્તરીય બેઠકમાં લેવાયો નિર્ણય
તાજેતરમાં પાલિકા કમિશનર અરુણ મહેશ બાબુની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં શહેરના ટ્રાફિક વ્યવસ્થાપન અને પાર્કિંગની કથળેલી સ્થિતિ અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરાઈ હતી. નાગરિકોને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ અપાવવા અને રાહદારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કમિશનરે કડક પગલાં લેવાનાં આદેશ આપ્યા છે. આગામી દિવસોમાં નિયમોનું ઉલ્લંઘન કરનારા અને કાયદો હાથમાં લેનારા વાહનચાલકો સામે પાલિકા કડક કાનૂની કાર્યવાહી કરશે.
ફૂટપાથ પર વાહનોનું નો-એન્ટ્રી: લાગશે
બેઠકમાં લેવાયેલા મુખ્ય અને ઐતિહાસિક નિર્ણય મુજબ, શહેરના વિવિધ વ્યસ્ત વિસ્તારોમાં આવેલા ફૂટપાથ પર હવે વિશેષ 'નિયંત્રણ બોલાર્ડ્સ' લોખંડ કે સિમેન્ટના મજબૂત નાના થાંભલા) લગાડવામાં આવશે.
- રાહદારીઓની નિર્ભયતા: આ બોલાર્ડ્સ લાગી જવાથી ફૂટપાથ પર કોઈ પણ ટુ-વ્હીલર કે ફોર વ્હીલર ચઢી શકશે નહીં.
- ગેરકાયદે પાર્કિંગ પર બ્રેક: ફૂટપાથ પર વાહન પાર્ક કરવું કે ત્યાંથી વાહન પસાર કરવું તદ્દન અશક્ય બની જશે, જેથી રાહદારીઓ કોઈપણ ભય વિના ફૂટપાથનો ઉપયોગ કરી શકશે.
ટોઇંગ કામગીરી વધુ વેગવંતી બનશે
આડેધડ પાર્કિંગના કારણે સર્જાતા ટ્રાફિક જામને હળવો કરવા માટે પાલિકા દ્વારા અન્ય એક મહત્વનો નિર્ણય પણ લેવાયો છે. શહેરના જાહેર માર્ગો પર ટ્રાફિકને નડતરરૂપ થતા અને ગમે ત્યાં પાર્ક કરેલા વાહનોને તાત્કાલિક ધોરણે હટાવવા માટે ટોઇંગ વાહનોની સંખ્યામાં વધારો કરવામાં આવશે. આ સાથે જ ટોઇંગ સ્ટાફની કામગીરીને વધુ વેગવંતી અને સખત બનાવવામાં આવશે, જેથી કાયદાનો ભંગ કરનારાઓ સામે ત્વરિત દંડનીય વસૂલાત કરી શકાય.
