Vadodara: દુમાડ ચોકડી નજીક પુરપાટ જતો ટેમ્પો ધડાકાભેર ટેલરમાં ઘૂસી ગયો, કચ્ચરઘાણ કેબિનમાં ફસાયેલા ડ્રાઈવરનું દિલધડક રેસ્ક્યુ

વાઘોડિયાના આમોદરનો યુવક ગ્રામ પંચાયતની સ્ટ્રીટ લાઈનનું રિપેરિંગ કરવા થાંભલા ઉપર ચડ્યો, ત્યારે કરંટ લાગતા ઉપરથી નીચે પટકાયો હતો. ગંભીર ઈજા થતાં મોત નીપજ્યું.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 02 Dec 2025 03:55 PM (IST)Updated: Tue, 02 Dec 2025 03:55 PM (IST)
vadodara-news-temp-drived-stuck-in-cabin-after-collied-with-truck-fire-brigade-rescue
HIGHLIGHTS
  • ફાયરની ટીમને જોતા ટેમ્પો ડ્રાઈવર મને બચાવો, બચાવોની બૂમો પાડવા લાગ્યો
  • હાઈડ્રોલિક મશીન, કટર અને રેમજેકની મદદથી કેબિન ચીરીને ડ્રાઈવરને બહાર કાઢ્યો

Vadodara: વડોદરા નજીકથી પસાર થતો નેશનલ હાઈવે 48 અવારનવાર અકસ્માતના કારણે ચર્ચામાં રહે છે, ત્યારે આજે દુમાડ ચોકડી નજીક વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. જેમાં ટેલરમાં ટેમ્પો ઘૂસી ગયો હતો. આ અકસ્માતમાં ટેમ્પો ડ્રાઈવર પડીકું વળી ગયેલ કેબિનમાં ફસાઈ ગયો હતો. જેને ERC ફાયરની ટીમે ભારે જહેમતે બહાર કાઢ્યો હતો.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, દુમાડ ચોકડી નજીક સુરતથી અમદાવાદ તરફ જઈ રહેલા ટેલરમાં એક ટેમ્પો ધડાકાભેર ઘુસી ગયો હતો. જેમાં ટેમ્પાના આગળના ભાગનો કચ્ચરઘાણ થઈ ગયો હતો.

વહેલી સવારે કોલ મળતા વડોદરા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. જ્યાં સ્થળ પર પહોંચતા ટેમ્પોની કેબિનમાં ફસાયેલો ડ્રાઈવર બચાવો-બચાવોની બૂમો પાડતો હતો. કેબિનના આગળના ભાગમાં ડ્રાઈવરના પગનો ભાગ ફસાઈ ગયો હોવાથી રેસ્ક્યુ જટિલ બન્યું હતુ.

આ અંગે ERC ફાયર સ્ટેશનના સૈનિક કાળુભાઈ ડામોરે જણાવ્યું કે, ડ્રાઈવરની હાલત ગંભીર હોવા છતાં રેસ્ક્યુ દરમિયાન તેને વધારે ઈજા ના થાય, તેની ખાસ તકેદારી રાખવામાં આવી હતી.

અમારી ટીમે આધુનિકા હાઈડ્રોલિક મશીન, કટર અને રેમજેકની મદદથી ટેમ્પોની કેબિનનો ડેમેજ ભાગ કાપીને 3 કલાકની જહેમત ફસાયેલા ડ્રાઈવરને બહાર કાઢ્યો હતો. જે બાદ તેને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બાલ તો હરણી પોલીસે અકસ્માતની નોંધ કરીને ઈજાગ્રસ્ત ડ્રાઈવરની ઓળખ મેળવવા તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.

વાઘોડિયામાં સ્ટ્રીટ લાઈનના રિપેરિંગ વખતે કરંટ લાગતા યુવકનું મોત

વાઘોડિયા તાલુકાના આમોદર ગામનો નરેશ પટેલ ગ્રામ પંચાયતની સ્ટ્રીટ લાઈટનું રિપેરિંગ કરવા માટે વીજ થાંભલા પર ચડ્યો હતો. આ સમયે અચાનક કરંટ લાગવાથી તેને થાંભલા પરથી નીચે પટકાયો હતો. આથી ગંભીર હાલતમાં નરેશને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવારના અંતે તેનું મોત નીપજ્યું છે.

તાજેતરમાંજ વાઘોડિયાના સિદ્ધિ ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં મેઈન્ટેનેન્સનું કામ કરતી વખતે પણ દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં એલ્યુમિનિયમની સીડી જીવંત વીજ લાઈનને સ્પર્શ થઈ જતાં સુખદેવ મુલાની નામના કામદારને કરંટ લાગવાથી તે સ્થળ પર જ સળગી ગયો હતો, જ્યારે તેના બે સાથીદારો ઈજાગ્રસ્ત થયા હતા.