Vadodara: સમાની સગીરા 30 વર્ષીય પ્રેમીએ આચરેલા દુષ્કર્મથી ગર્ભવતી બની, પીરિયડ મિસ થતાં તબીબી તપાસમાં 6 માસનો ગર્ભ નીકળ્યો

પ્રેમી યુવક વાતચીત કરવાના બહાને સગીરાને પોતાના ઘરે મળવા બોલાવતો હતો, જ્યાં તે સગીરાને પોતાની હવસનો શિકાર બનાવતો હતો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 04 Dec 2025 11:31 PM (IST)Updated: Thu, 04 Dec 2025 11:31 PM (IST)
vadodara-news-teenage-girlfriend-pregnant-due-to-rape-by-lover-in-sama
HIGHLIGHTS
  • 15 વર્ષીય સગીરા છેલ્લા એક વર્ષથી યુવકના સંપર્કમાં હતી
  • માતાની ફરિયાદના આધારે પોક્સો અને એટ્રોસિટી એક્ટ અંતર્ગત ફરિયાદ

Vadodara: શહેરના સમા વિસ્તારમાં પ્રેમીએ અવારનવાર શરીર સબંધ બાંધીને પોતાની સગીર પ્રેમિકાને ગર્ભવતી બનાવી દીધી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે સગીરાની માતાએ ફરિયાદ નોંધાવતા સમા પોલીસે આરોપી પ્રેમી વિરુદ્ધ પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, સમા વિસ્તારમાં રહેતા જીતેન્દ્રસિંહ ઝાલા (30)એ ભોગ બનનારી સગીરાને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. છેલ્લા એક વર્ષથી જીતેન્દ્રસિંહ અવારનવાર સગીરાને વાતચીત કરવા માટે પોતાના ઘરે બોલાવતો હતો. જ્યાં સગીરાની મરજી વિરુદ્ધ તેની સાથે શરીર સબંધ બાંધતો હતો.

જો કે છેલ્લા કેટલાક મહિનાથી દીકરીના પીરિયડ મિસ થતાં હોવાથી માતાને શંકા ગઈ હતી. આથી માતા દીકરીને લઈને ડોક્ટર પાસે ગઈ હતી. જ્યાં તબીબી તપાસમાં સગીરાના પેટમાં 6 મહિનાનો ગર્ભ હોવાનું માલૂમ પડતાં માતાના પગ તળેથી જમીન સરકી ગઈ હતી.

માતાએ પૂછપરછ કરતાં સગીરાએ પ્રેમી જીતેન્દ્રસિંહનું નામ આપ્યું હતુ. આથી માતાએ સમા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જીતેન્દ્રસિંહ વિરુદ્ધ પોક્સો અને એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ તો પોલીસે સગીરાનું મેડિકલ ચેકઅપ કરવા સાથે પરિવારજનોના નિવેદનો નોંધવા તેમજ ફરાર થઈ ગયેલા આરોપીની શોધખોળ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.