Vadodara News: વડોદરાની સયાજી હોસ્પિટલ (SSG) ના પોસ્ટમોર્ટમ રૂમમાં ગત 29 એપ્રિલના રોજ ફરજ પરના તબીબ પર થયેલા હુમલાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ ઘટનાના વિરોધમાં અને સુરક્ષાની માગ સાથે આજે સવારથી જ રેસિડેન્ટ તબીબોએ આક્રમક વલણ અપનાવી ઇમરજન્સી સિવાયની તમામ કામગીરીનો બહિષ્કાર કર્યો છે. હડતાળને કારણે હોસ્પિટલની નિયમિત સારવાર સેવાઓ પર માઠી અસર પડી છે, જેના પગલે દર્દીઓ અને તેમના સ્વજનો મુશ્કેલીમાં મૂકાયા છે.
શું હતી સમગ્ર ઘટના?
ગઈકાલે પોસ્ટમોર્ટમ રૂમમાં ફરજ બજાવી રહેલા તબીબ પર ત્રણ અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ તબીબોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. તબીબોની સુરક્ષાના અભાવે પીએમ (Post-Mortem) કામગીરી ઠપ્પ થઈ ગઈ હતી, જેને પગલે સાત જેટલા મૃતદેહોને તાત્કાલિક ગોત્રી હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી.
તબીબોની મુખ્ય માંગણીઓ
રેસિડેન્ટ તબીબોએ કામ પર પરત ફરવા માટે કેટલીક શરતો અને માંગણીઓ મૂકી છે.
- હોસ્પિટલ કેમ્પસમાં કાયમી અને સઘન સિક્યુરિટી વ્યવસ્થા ઉભી કરવી.
- સમગ્ર હોસ્પિટલ પરિસરમાં સીસીટીવી કેમેરા નેટવર્ક મજબૂત કરવું.
- કેમ્પસના અંધકારમય વિસ્તારોમાં પૂરતી લાઇટિંગની વ્યવસ્થા કરવી.
- તબીબો પર હુમલો કરનારાઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવી.
તંત્ર દોડતું થયું: બેઠકોનો દોર શરૂ
હડતાળના સમાચાર મળતા જ રાજ્ય સરકાર હરકતમાં આવી હતી. વડોદરા જિલ્લા કલેક્ટર, જોઈન્ટ પોલીસ કમિશનર અને હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડો. રંજન આઈયરે રેસિડેન્ટ તબીબો સાથે મેરેથોન બેઠક યોજી હતી. કલેક્ટરે તબીબોને સમજાવતા જણાવ્યું હતું કે, સરકાર તેમની સુરક્ષા માટે કટિબદ્ધ છે અને ગરીબ દર્દીઓને હાલાકી ન પડે તે જોવાની જવાબદારી પણ તબીબોની છે.
પોલીસ કાર્યવાહી અને વર્તમાન સ્થિતિ
આ મામલે રાવપુરા પોલીસે ત્વરિત કાર્યવાહી કરી હુમલો કરનાર ત્રણ શખ્સોની ધરપકડ કરી લીધી છે. ડો. રંજન આઈયરે મીડિયાને જણાવ્યું હતું કે, સરકારે આ મામલાની ગંભીર નોંધ લીધી છે. સિક્યોરિટી વધારવા માટે સરકારમાં રજૂઆત કરવામાં આવશે.
જોકે, હજુ સુધી હડતાળ સત્તાવાર રીતે સમેટવા અંગે કોઈ નિર્ણય લેવાયો નથી. તબીબોનું એક પ્રતિનિધિ મંડળ ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રીને મળવા ગયું છે. ત્યાંથી મળનારા આશ્વાસન અને નિર્ણય બાદ જ હડતાળ અંગે આખરી જાહેરાત કરવામાં આવશે. હાલમાં હોસ્પિટલના પ્રોફેસરો અને ટ્યુટર્સ દ્વારા ઓપીડી અને અન્ય સારવારની કામગીરી સંભાળવામાં આવી રહી છે.
