Vadodara News: શહેરમાં તસ્કરોનો આતંક, ચાર દિવસમાં એક જ સોસાયટીમાં બીજી વાર તાળા તૂટ્યા, રોકડ, સોના-ચાંદી સહિત લાખોની ચોરી કરી તસ્કરો ફરાર

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Mon, 26 Jun 2023 10:58 AM (IST)Updated: Mon, 26 Jun 2023 11:48 AM (IST)
vadodara-news-smugglers-raided-the-house-stole-nearly-2-8-lakhs-of-cash-including-gold-and-silver

Vadodara Theft News: વડોદરા શહેરમાં દિવસે દિવસે તસ્કરોનો આતંક વધી રહ્યો છે અને તસ્કરો બેખૌફ બની પોલીસને પડકાર ફેંકતા હોય તે રીતે એક પછી એક ચોરીની વારદાતને અંજામ આપી પોલીસના રાત્રી પેટ્રોલિંગના ધજાગરા ઉડાવી રહ્યા છે ત્યારે તસ્કરોએ ભાયલી ખાતે વધુ એક બંધ મકાનને નિશાન બનાવી તાળું તોડી તિજોરીમાંથી રોકડ રકમ તેમજ સોના ચાંદીના ઘરેણાં સહીત લાખો રૂપિયાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. જો કે, માત્ર ચાર દિવસમાં એક જ સોસાયટીમાં તસ્કરોએ બીજીવાર ચોરીની વારદાતને અંજામ આપતા રહીશોએ પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા હતા.

વડોદરા શહેરના છેવાડે આવેલ ભાયલી ખાતે સાપ્રંત રેસીડેન્સીમાં પરિવાર સાથે રહેતા 49 વર્ષીય કૌશિકભાઈ અભેસિંહ રાઠોડ વાગડ ઈન્ફ્રા પ્રોજેકટસ લિમિટેડમાં ફરજ બજાવે છે. ગત તા. 23 જૂનના રોજકૌશિકભાઈ કામ અર્થે સુરત ખાતે ગયા હતા અને તેમના પત્ની ઉષાબેન તેમજ દીકરો જયરાજસિંહ બાંસવાડા રાજસ્થાન ખાતે ગયા હતા.

તે દરમિયાન અજાણ્યા તસ્કરોએ કૌશિકભાઈના બંધ મકાનને નિશાન બનાવી મુખ્ય દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશી રૂમમાં મુકેલ તિજોરીનું પણ તાળું તોડી તિજોરીમાં પડેલ રોકડ રકમ તેમજ સોના ચાંદીની લાખોની કિંમતની ચીજવસ્તુ લઇ ફરાર થઇ ગયા હતા.

કૌશિકભાઈ સુરત ખાતે હતા તે વખતે તેમના પડોશી અશોકભાઈ જેઠવાએ કૌશિકભાઈને ફોન કરી જણાવ્યું હતું કે, તમારા ઘરનો મુખ્ય દરવાજો તૂટેલો છે અને મકાનમાં ચોરી થઇ હોવાની લાગી રહ્યું છે. જેથી કૌશિકભાઈ સુરત ખાતેથી વડોદરા ખાતે દોડી આવ્યા હતા. ઘરે આવી જોતા ઘરનો મુખ્ય દરવાજો કોઈ તીક્ષ્ણ હથિયાર વડે તોડી નાખ્યો હતો.

જેથી ઘરમાં જઈને તપાસ કરતા ઘરમાં બધો સામાન વેરવિખેર હાલતમાં પડ્યો હતો અને બેડરૂમમાં મુકેલ તિજોરી પણ કોઈ તીક્ષ્ણ હથિયાર વડે તોડી તેમાં મુકેલ રોકડ રૂપિયા એક લાખ, રૂ. 87,000ની દોઢેક તોલાની ગુરૂ ગ્રહના નંગની બનાવેલ વિંટી તથા વીંટીમાં જડાવેલ 50 હજારની કિંમતનો ગુરૂનો નંગ, પાંચ ગ્રામની રૂ. 29,000ની કિંમતની એક જોડ સોનાની બુટ્ટી તેમજ દીકરાની સગાઇમાં મળેલ રૂ.15,000ની કિંમતનું ચાંદીનું એક નારીયેલ સહીત કુલ રૂ. 2,81,000ની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા. જે અંગે કૌશિકભાઈએ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.