વડોદરામાં વૈજ્ઞાનિક ક્રાંતિઃ MS યુનિવર્સિટીના સંશોધકોએ તાંબાના વાયરથી બનાવેલા પાવડરથી ડાયાબિટીસ ચેક થઈ શકશે

હવે MSUના રિસર્ચરો લોહી ઉપરાંત પરસેવા દ્વારા પણ ડાયાબિટીસનો ટેસ્ટ થઈ જાય, તે દિશામાં કામ કરી રહ્યા છે

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Sun 28 Dec 2025 09:13 PM (IST)Updated: Sun 28 Dec 2025 09:13 PM (IST)
vadodara-news-researchers-of-msu-check-diabetes-with-the-powder-made-from-copper-wire-663689
HIGHLIGHTS
  • ઈલેક્ટ્રિક વાયરમાંથી તાંબુ અલગ કરીને કોપર નેનો પાર્ટિકલ્સમાં ફેરવવામાં આવ્યું
  • લોહીમાં ગ્લુકોઝના આધારે પાવડરનો રંગ બદલાશે, સુગર ટેસ્ટ સસ્તા થવાની આશા જન્મી

Vadodara: વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીના સાયન્સ ફેકલ્ટીના કેમેસ્ટ્રી વિભાગે ડાયાબિટીસ નિદાન ક્ષેત્રે મહત્ત્વપૂર્ણ સંશોધન કરીને નવી શક્યતા ઉભી કરી છે.

આ વિભાગના પ્રોફેસર સોનલ ઠાકોર તથા તેમના PhD સ્ટુડન્ટ શ્રદ્ધાંજલિ સામલે અને ત્વરા કિકાણીએ તાંબાના વાયરમાંથી એવો ખાસ પાવડર વિકસાવ્યો છે, જેના ઉપયોગથી લેબોરેટરીમાં ડાયાબિટીસની તપાસ વધુ સરળ અને ઓછી ખર્ચાળ બની શકે છે. આ સંશોધનને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા મળતાં ઇન્ટરનેશનલ કેમિકલ એન્જિનિયરિંગ જર્નલમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે.

આ પાવડર ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ડાયાબિટીસના દર્દીઓ માટે ઉપયોગી સાબિત થઈ શકે છે, જ્યાં આધુનિક સાધનોની ઉપલબ્ધતા મર્યાદિત હોય છે.

સંશોધકો દ્વારા નાંખી દેવાયેલા ઇલેક્ટ્રિકલ વાયરમાંથી તાંબું અલગ કરીને તેને કોપર નેનો પાર્ટિકલ્સમાં ફેરવવામાં આવ્યું હતું. જે બાદ આ નેનો પાર્ટિકલ્સને ચિતોસન નામના કુદરતી પોલિમરની મદદથી સ્થિરતા આપવામાં આવી હતી, જ્યારે મકાઈના સ્ટાર્ચમાંથી મળતા એક તત્વના ઉપયોગથી તેને વધુ શક્તિશાળી બનાવવામાં આવ્યા હતા.

પ્રોફેસર સોનલ ઠાકોરના જણાવ્યા મુજબ, આ પાવડર કુદરતી એન્ઝાઈમ તરીકે કાર્ય કરે છે. તે લોહીમાં રહેલા ગ્લુકોઝનું પ્રમાણ ઓળખી શકે છે. જ્યારે ગ્લુકોઝની હાજરીમાં હાઈડ્રોજન પેરોક્સાઈડ ઉત્પન્ન થાય છે, ત્યારે એન્ઝાઈમનો રંગ ઘેરો વાદળી બની જાય છે. રંગની તીવ્રતા લોહીમાં રહેલા ગ્લુકોઝના પ્રમાણ અનુસાર બદલાય છે, જેના આધારે ગ્લુકોઝ લેવલની ઓળખ શક્ય બને છે.

આ પાવડરનો ઉપયોગ કરતાં પહેલાં લોહીમાંથી સીરમને અલગ તારવવું જરૂરી છે. તેથી ગ્લુકોમીટર જેવી રીતે તેનો સીધો ઘરગથ્થુ ઉપયોગ શક્ય નથી, પરંતુ લેબોરેટરીમાં થતા ડાયાબિટીસ ટેસ્ટ માટે તે અસરકારક વિકલ્પ બની શકે છે.

સંશોધકોનું માનવું છે કે, પાવડર ચોંટાડીને બનાવેલી સ્ટ્રીપનો ઉપયોગ કરવામાં આવે તો ડાયાબિટીસ પરીક્ષણની કિંમત ઘટી શકે છે. લેબોરેટરીમાં ડાયાબિટીસ ધરાવતા તથા ન ધરાવતા દર્દીઓના લોહીના નમૂનાઓ પર સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત સંશોધકો હવે લોહી ઉપરાંત પરસેવા દ્વારા પણ ડાયાબિટીસની ઓળખ શક્ય બને તે દિશામાં કામ કરી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ પરસેવામાં રહેલા તત્વો પર પાવડરનો પ્રયોગ કરવામાં આવ્યો છે અને પ્રાથમિક પરિણામો હકારાત્મક જોવા મળ્યા છે. જોકે દર્દીના પરસેવાના વાસ્તવિક સેમ્પલ પર વધુ પરીક્ષણ બાકી હોવાનું સંશોધકોએ જણાવ્યું છે.