વડોદરાના કેવડાબાગમાં સસ્તા અનાજની દુકાને લાભાર્થીઓનો ભારે હોબાળો: 3-4 મહિનાથી રેશન ન મળ્યાનો આક્ષેપ

દુકાન સંચાલકે જણાવ્યું હતું કે, સરકારી નિયમોનુસાર રેશન મેળવવા માટે રેશનકાર્ડ ધારકે બાયોમેટ્રિક પદ્ધતિથી અંગૂઠો લગાવવો ફરજિયાત છે. લાભાર્થીઓનો અંગૂઠો મશીનમાં મેચ થતો નથી અથવા જેઓ અંગૂઠો લગાવતા નથી, તેમને અનાજનો જથ્થો આપી શકાતો નથી.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Mon, 28 Sep 2026 04:56 PM (IST)Updated: Mon, 28 Sep 2026 04:56 PM (IST)
vadodara-news-ration-beneficiaries-protest-at-fair-price-shop-in-kewadabaug

Vadodara News: વડોદરા શહેરના કેવડાબાગ વિસ્તારમાં આવેલી સસ્તા અનાજની દુકાને આજે લાભાર્થીઓ દ્વારા ઉગ્ર વિરોધ અને હોબાળો મચાવવામાં આવ્યો હતો. કેવડાબાગ સ્થિત મધુવન કોમ્પલેક્ષની દુકાન નંબર ૨૭ પર મોટી સંખ્યામાં એકઠા થયેલા રેશનકાર્ડ ધારકોએ દુકાન સંચાલક સામે ગંભીર આક્ષેપો કરીને ભારે હંગામો સર્જ્યો હતો.

સ્થાનિક લાભાર્થીઓના જણાવ્યા મુજબ, તેમને છેલ્લા ત્રણથી ચાર મહિનાથી નિયમિત મળવાપાત્ર અનાજનો જથ્થો આપવામાં આવ્યો નથી. આ ઉપરાંત, દુકાન સંચાલક ભાવેશ ખારવા દ્વારા રેશનકાર્ડ ધારકો પાસે વારંવાર પોઇન્ટ ઓફ સેલ મશીનમાં અંગૂઠાનું નિશાન લેવડાવવામાં આવે છે, છતાં પણ તેમને અનાજ આપવામાં આવતું નથી. અનાજના વિતરણમાં મોટા પાયે ગફલત અને અનિયમિતતા થતી હોવાના સીધા આક્ષેપો લાભાર્થીઓએ સંચાલક પર લગાવ્યા હતા. ઘટનાને પગલે રેશનકાર્ડ ધારકો અને દુકાન સંચાલક વચ્ચે ભારે બાસાબાંસી અને રકઝક થતાં મામલો ગરમાયો હતો.

લાભાર્થીઓના ગંભીર આક્ષેપો સામે દુકાન સંચાલક ભાવેશ ખારવાએ પોતાનું સ્પષ્ટીકરણ આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, સરકારી નિયમોનુસાર રેશન મેળવવા માટે રેશનકાર્ડ ધારકે બાયોમેટ્રિક પદ્ધતિથી અંગૂઠો લગાવવો ફરજિયાત છે. જે લાભાર્થીઓનો અંગૂઠો મશીનમાં મેચ થતો નથી અથવા જેઓ અંગૂઠો લગાવતા નથી, તેમને અનાજનો જથ્થો આપી શકાતો નથી.

કેવડાબાગ વિસ્તારની આ સસ્તા અનાજની દુકાનનો વિવાદ વકરતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચા જાગી છે. ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારજનો પોતાના હક્કના રાશન માટે રઝળપાટ કરવા મજબૂર બન્યા છે. ત્યારે હવે આ મામલે પુરવઠા વિભાગ અને સંબંધિત તંત્ર દ્વારા દુકાનના રજિસ્ટર તથા સ્ટોકની તપાસ કરવામાં આવશે કે કેમ? તે અંગે અનેક સવાલો ઊભા થયા છે. સ્થાનિકોએ તંત્ર પાસે માગ કરી છે કે તુરંત જ આ મામલે નિષ્પક્ષ તપાસ કરી દોષિતો સામે પગલાં લેવામાં આવે.