Vadodara News: વડોદરામાં મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL) કચેરી બહાર વિદ્યુત સહાયક ઉમેદવારોએ ભરતીની માગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. પરીક્ષા પાસ કરનારા 1300 ઉમેદવારોમાંથી માત્ર 79ને જ નિમણૂક મળતા આક્રોશ ફેલાયો છે. ઉમેદવારો FRT પ્રથા રદ કરવા અને કાયમી નિમણૂક આપવાની માંગ કરી રહ્યા છે. વિરોધને ધારાસભ્ય અનંત પટેલ અને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનું સમર્થન મળ્યું છે, જેમણે કોન્ટ્રાક્ટ સિસ્ટમ દ્વારા ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે.
1300થી વધુ ઉમેદવારો વિરોધમાં જોડાયા
આ પણ વાંચો
આ વિરોધ પ્રદર્શનમાં દાહોદ, મહીસાગર, પંચમહાલ, છોટાઉદેપુર, ખેડા, આણંદ સહિતના અનેક જિલ્લાઓમાંથી કુલ 1300 પાસ થયેલા ઉમેદવારો મોટી સંખ્યામાં જોડાયા હતા. ઉમેદવારોએ જણાવ્યું હતું કે કુલ 3250 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી, જેમાંથી 1300 પાસ થયા હતા, પરંતુ માત્ર 79 ઉમેદવારોને જ નિમણૂક આપવામાં આવી છે.
ઉમેદવારોની મુખ્ય માગણીઓ
ઉમેદવારોની મુખ્ય માંગણી એ છે કે FRT (ફિક્સ રિક્રૂટમેન્ટ ટર્મ)ના કોન્ટ્રાક્ટ આધારિત પ્રથાને તાત્કાલિક રદ કરવામાં આવે અને કાયમી નિમણૂક આપવામાં આવે. આ વિરોધને પગલે સ્થાનિક પોલીસે કચેરી પાસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. આ સાથે વિરોધને ધારાસભ્ય અનંત પટેલે પણ પોતાનું સમર્થન જાહેર કર્યું છે. એવી શક્યતા છે કે વિરોધ કરી રહેલા પ્રતિનિધિઓનું એક જૂથ MGVCLના અધિકારીઓ સાથે બેઠક કરે.
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનું સમર્થન
કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા પણ ઉમેદવારોના આંદોલનમાં જોડાયા હતા. તેમણે કહ્યું કે કોન્ટ્રાક્ટ સિસ્ટમથી મળતિયા કોન્ટ્રાક્ટરોને ફાયદો પહોંચાડવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ કર્યો છે. તેમણે યુવાનોની તાત્કાલિક ભરતી કરવાની માંગ કરી હતી અને ચેતવણી આપી હતી કે જો તેઓને ન્યાય નહીં મળે તો આગામી સમયમાં નવનિર્માણ આંદોલન શરૂ કરવામાં આવશે.
