વડોદરામાં કપિરાજનો આતંકઃ ફ્લેટના કમ્પાઉન્ડમાંથી પસાર થતી મહિલા પર અચાનક હુમલો કરતાં મચી રાડારાડ; ઘટના CCTVમાં કેદ

વડોદરાના છાણી જકાતનાકા વિસ્તારમાં આવેલા ઇન્ફીનિયમ ફ્લેટ્સમાં એક મહિલા પર વાનરે જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. આ ઘટના CCTVમાં કેદ થઈ છે અને સ્થાનિકોમાં વાનરોના ત્રાસ સામે રોષ જોવા મળી રહ્યો છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 13 Nov 2026 10:27 PM (IST)Updated: Fri, 13 Nov 2026 10:27 PM (IST)
vadodara-news-panic-in-residential-society-after-monkey-attacks-woman-cctv-footage-goes-viral

Vadodara: વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા પ્રાણીઓનો ત્રાસ સતત વધી રહ્યો છે, ત્યારે હવે વાનરો પણ આક્રમક બનતા જઈ રહ્યા છે. તાજેતરમાં વડોદરા શહેરના વ્યસ્ત ગણાતા છાણી જકાતનાકા વિસ્તારમાં આવેલા ટીપી-13 રોડ પર આવેલી 'ઇન્ફીનિયમ' ફ્લેટ્સની સોસાયટીમાં એક હચમચાવનારી ઘટના સામે આવી છે. અહીં એક ઉશ્કેરાયેલા કપિરાજે અચાનક જ રસ્તેથી ચાલતી જતી એક મહિલા પર જીવલેણ હુમલો કરી દીધો હતો, જેના કારણે સ્થાનિક રહેવાસીઓમાં ભારે ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.

જીવ બચાવવા મહિલા ચીસો પાડતી રહી છતાં કપિરાજે શરીર પર બચકાં ભરી લીધા

ઇન્ફીનિયમ ફ્લેટ્સની આસપાસના વિસ્તારમાં થોડા દિવસોથી વાનરોના જૂથનો ઉપદ્રવ વધી ગયો હતો. આ ઘટનાના દિવસે સોસાયટીના પરિસરમાંથી પસાર થઈ રહેલી એક મહિલા પર અચાનક જ એક વાનરે હુમલો કર્યો હતો. વાનરની ચુંગાલમાંથી છટકવા માટે મહિલાએ ચીસાચીસ કરી મૂકી, પરંતુ વાનર તેને છોડવાની જગ્યાએ શરીર પર બચકાં ભરતો રહ્યો. જે બાદ ઇજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી, જ્યાં તેમને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.

આ સમગ્ર ભયાનક ઘટના સોસાયટીમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ ફૂટેજમાં જોઈ શકાય છે કે, કેવી રીતે કપિરાજ અચાનક દોડી આવીને મહિલા પર હુમલો કરે છે અને મહિલા પોતાનો બચાવ કરવાનો પ્રયાસ કરે છે. આ દ્રશ્યો જોઈને સોસાયટીના રહીશોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

આ બનાવ બાદ સ્થાનિક નાગરિકોમાં વડોદરા મહાનગરપાલિકા અને વન વિભાગ સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે વાનરોનો ત્રાસ માત્ર આ એક સોસાયટી પૂરતો સીમિત નથી, પરંતુ સમગ્ર છાણી અને આસપાસના વિસ્તારોમાં વાનરો ઘરની છત પર અને ગલીઓમાં આતંક મચાવી રહ્યા છે. નાના બાળકો અને વૃદ્ધો માટે ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે. અગાઉ પણ અનેકવાર પાલિકામાં રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.