વડોદરામાં ઓનલાઇન ગેમની લતનો ચોંકાવનારો બનાવ: ગેમિંગની લતે ચડેલી પૌત્રીએ દાદીના પેન્શનના રૂ. 4 લાખ ગુમાવ્યા

પૌત્રી સતત મોબાઇલ ગેમ રમતી હોવાથી દિવસો સુધી મોબાઇલમાં વ્યસ્ત રહેતી અને અભ્યાસ પ્રત્યેનો રસ ગુમાવી બેઠી હતી. ગેમમાં નુકસાન થતા તેણે દાદીના ખાતામાંથી અંદાજે રૂા. 4 લાખ ગુમાવ્યા હતા.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Thu 01 Jan 2026 11:46 AM (IST)Updated: Thu 01 Jan 2026 11:46 AM (IST)
vadodara-news-online-game-addiction-costs-granddaughter-rs-4-lakh-of-grandmothers-pension-665949

Vadodara News: વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં ઓનલાઇન મોબાઇલ ગેમની લતના કારણે એક પરિવાર મુશ્કેલીમાં મુકાયો હોવાનો બનાવ સામે આવ્યો છે. કોલેજમાં અભ્યાસ કરતી પૌત્રીએ ગેમ રમીને પૈસા કમાવાની લાલચમાં પોતાની પેન્શનર દાદીના બેંક ખાતામાંથી રૂ. 4 લાખ ગુમાવી દીધા હતા. આ મામલે ચિંતિત બનેલી દાદીએ અભયમ મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કરતા અભયમ ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કાયદાકીય સમજ અને સલાહ આપી મામલો શાંતિપૂર્વક ઉકેલ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ, ગોરવા વિસ્તારમાં રહેતા સિનિયર સિટિઝનના ઘરમાં તેમની કોલેજમાં અભ્યાસ કરતી પૌત્રી રહે છે. દાદીને દર મહિને પેન્શન મળે છે અને તેમના મોબાઇલમાં બેંકિંગ તથા અન્ય એપ્લિકેશનનો ઉપયોગ થતો હતો. પૌત્રીને છેલ્લા ચાર મહિનાથી ઓનલાઇન ગેમ રમવાની આદત લાગી ગઈ હતી. શરૂઆતમાં મનોરંજન માટે ગેમ રમતી પૌત્રી ધીમે ધીમે પૈસા કમાવાની લાલચમાં ફસાઈ ગઈ અને દાદીના મોબાઇલમાંથી એપ્લિકેશન દ્વારા રકમ ટ્રાન્સફર કરવા લાગી હતી.

પૌત્રી સતત મોબાઇલ ગેમ રમતી હોવાથી દિવસો સુધી મોબાઇલમાં વ્યસ્ત રહેતી અને અભ્યાસ પ્રત્યેનો રસ ગુમાવી બેઠી હતી. ગેમમાં નુકસાન થતા તેણે દાદીના ખાતામાંથી અંદાજે રૂા. 4 લાખ ગુમાવ્યા હતા. એટલું જ નહીં, પોતાના શોખ પૂરા કરવા માટે ઘરમાંથી સોનાની ચેન લઇ અજાણ વ્યક્તિને વેચી નાખવાનો પણ પ્રયાસ કર્યો હતો. આ તમામ પરિસ્થિતિ જોઈ દાદીને ભારે ચિંતા થતાં તેમણે અભયમ ટીમનો સંપર્ક કર્યો હતો.

અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર પરિસ્થિતિની તપાસ કરી હતી. ટીમે પૌત્રીને ઓનલાઇન ગેમની લતથી થતી આર્થિક અને માનસિક નુકસાન અંગે સમજ આપી હતી. સાથે જ અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવા, મોબાઇલનો સકારાત્મક ઉપયોગ કરવા અને ભવિષ્યને જોખમમાં ન મુકવા અંગે કાયદાકીય સલાહ અને સૂચનો આપ્યા હતા.

સમજાવટ બાદ પૌત્રીને પોતાની ભૂલનો અહેસાસ થયો હતો અને તેણે આદત છોડવાની તૈયારી દર્શાવી હતી. દાદીએ પણ પરિવારની એકતા જાળવવા સમાધાન કરવાની ઈચ્છા વ્યક્ત કરતા મામલો સમાધાનથી પૂર્ણ કરવામાં આવ્યો હતો. આ બનાવ ઓનલાઇન ગેમિંગની લતથી થતી ગંભીર અસરો અંગે ચેતવણીરૂપ સાબિત થયો છે.