MSU Baroda: વડોદરાની મહારાજા સાયાજીરાવ યુનિવર્સિટી (એમ. એસ. યુનિવર્સિટી) જે દેશ-વિદેશમાં પોતાની શૈક્ષણિક પ્રતિષ્ઠા અને સંસ્કારસભર પરંપરાઓ માટે જાણીતી છે, તે ફરી એકવાર વિવાદના ઘેરામાં આવી છે. સોશ્યલ મીડિયા પર હાલ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ક્લાસ દરમિયાન એક વિદ્યાર્થીએ વિદ્યાર્થીનીને ખુલ્લેઆમ ચુંબન કર્યું હોવાનું જણાય છે. આ અશ્લીલ હરકતનો વિડીયો ઝડપથી વાયરલ થતાં યુનિવર્સિટીના સત્તાધીશો સહિત શહેરના શિક્ષણજગતમાં ચકચાર મચી ગઈ છે.
એમ. એસ. યુનિવર્સિટીની આર્ટ્સ ફેકેલ્ટીનો વીડિયો હોવાનું અનુમાન
વાયરલ થયેલો વિડીયો એમ.એસ. યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીનો હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. જો કે હજી સુધી આ બાબતે યુનિવર્સિટી તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. વિડીયોમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે ક્લાસ ચાલી રહ્યો છે, અન્ય વિદ્યાર્થીઓ હાજર છે અને તે દરમ્યાન એક વિધાર્થી અશ્લીલ હરકત કરી રહ્યો છે. વિદ્યાનાં આ ધામમાં બનતી આવી હરકતો સામે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને શિક્ષકવર્ગે પણ આ ઘટનાને શરમજનક ગણાવી
યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને શિક્ષકવર્ગે પણ આ ઘટનાને શરમજનક ગણાવી કડક કાર્યવાહી કરવાની માગણી કરી છે. એક તરફ રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ વિદ્યાર્થીઓમાં સંસ્કાર અને શિસ્તના મૂલ્યો પ્રસ્થાપિત કરવાની વાત કરે છે, ત્યારે બીજી તરફ દેશની અગ્રણી યુનિવર્સિટીમાં આવો વિડીયો બહાર આવવો ચિંતાજનક ગણાય છે.
યુનિવર્સિટી સત્તાધીશો આ ઘટનાની તપાસમાં જોડાયા હોવાનું જાણવા મળ્યું છે. વીડિયો ક્યારનો છે, કયા વિભાગનો છે અને તેમાં જોવા મળતા વિદ્યાર્થીઓ કોણ છે તે અંગે માહિતી એકત્ર કરવાની પ્રક્રિયા શરૂ થઈ છે.
શૈક્ષણિક સંસ્થાઓમાં આવી અશ્લીલ હરકતો સામે કડક શિસ્તનિબંધ પગલાં ભરવાની માગ સાથે વિદ્યાર્થી સંગઠનો પણ સક્રિય થયા છે. વડોદરાની આ પ્રતિષ્ઠિત યુનિવર્સિટીના માનમરતબાને લગતી આવી ઘટનાઓ વારંવાર સામે આવતાં હવે સવાલ ઊભો થયો છે કે વિદ્યાનાં આ ધામમાં શિસ્ત અને સંસ્કારની દીવાદાંડી ફરી કેવી રીતે પ્રગટાવવામાં આવશે?
