Vadodara Hit And Run: વડોદરામાં રોડ સેફ્ટી અને બેફામ દોડતા વાહનોને લઈને ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. શહેરના વ્યસ્ત ગણાતા ફતેગંજ બ્રિજ પર વધુ એક કરૂણ હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. ખાનગી બસની ટક્કરે એમ.એસ. યુનિવર્સિટીની વિદ્યાર્થીની તુપ્તિનું સારવાર દરમિયાન મોત નીપજતાં સમગ્ર શહેરમાં અને યુનિવર્સિટી કેમ્પસમાં શોકની કાલિમા છવાઈ ગઈ છે.
ઈસ્કોન મંદિરથી દર્શન કરી પરત ફરતા નડ્યો અકસ્માત
પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર, એમ.એસ. યુનિવર્સિટીની કેટલીક વિદ્યાર્થીનીઓ ઈસ્કોન મંદિર દર્શન કરીને સ્કૂટર પર પરત ફરી રહી હતી. આ દરમિયાન ફતેગંજ બ્રિજ પરથી પસાર થતી વખતે પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલી એક ખાનગી બસે તેમના સ્કૂટરને જોરદાર ટક્કર મારી હતી.
આ અકસ્માત એટલો ભયાનક હતો કે વિદ્યાર્થીનીઓ રસ્તા પર પટકાઈ ગઈ હતી. આ અકસ્માતમાં તુપ્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જ્યારે અન્ય સવાર વિદ્યાર્થીનીઓને પણ નાના-મોટી ઈજાઓ થઈ હતી. અકસ્માત સર્જીને ખાનગી બસનો ચાલક સ્થળ પરથી બસ લઈને ફરાર થઈ ગયો હતો.
સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તુપ્તિએ દમ તોડ્યો
ઘટના બની તે સમયે આસપાસના લોકો અને રાહદારીઓ તુરંત મદદ માટે દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સ મારફતે ગંભીર રીતે ઘવાયેલી તુપ્તિને સયાજી હોસ્પિટલ (SSG) ખસેડી હતી. તબીબોની ભારે જહમત છતાં સારવાર દરમિયાન તુપ્તિનું મોત નીપજ્યું હતું.
આ બનાવની જાણ થતાં જ મૃતાંકના પરિવારજનો હોસ્પિટલ દોડી આવ્યા હતા, જ્યાં તેમના કરૂણ આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. ઈજાગ્રસ્ત અન્ય વિદ્યાર્થીનીઓની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
ફતેગંજ બ્રિજ એક્સિડન્ટ હોટસ્પોટ બન્યો: સ્થાનિકોમાં ભારે રોષ
સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ, ફતેગંજ બ્રિજ હવે અકસ્માતોનો હોટસ્પોટ બની ચૂક્યો છે. છેલ્લા એક જ મહિનામાં અહીં છથી વધુ અકસ્માતના બનાવો બન્યા છે. ઓવરસ્પીડિંગ અને ટ્રાફિકના નિયમોના ભંગને કારણે અવારનવાર નિર્દોષ લોકો ભોગ બની રહ્યા છે. અગાઉ પણ સ્પીડ મોનિટરિંગ અને પોલીસ પેટ્રોલિંગ વધારવા માંગ કરવામાં આવી હતી.
પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી
આ ઘટના બાદ બ્રિજ પર થોડો સમય ટ્રાફિક જામ થયો હતો, પરંતુ પોલીસે સ્થળ પર પહોંચી ટ્રાફિક રાબેતા મુજબ કરાવ્યો હતો. પોલીસે અકસ્માત સર્જનાર ખાનગી બસ અને ફરાર ડ્રાઇવરની શોધખોળ હાથ ધરી છે. આસપાસના CCTV ફૂટેજ અને બસના રૂટની તપાસ કરીને આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
