'આયુષ્માન કાર્ડ' એટલે આરોગ્ય સુરક્ષાનું કવચઃ વડોદરામાં એક વર્ષમાં 46 હજારથી વધુ દર્દીઓએ રૂ.1.20 અબજની નિઃશુલ્ક સારવાર મેળવી

વડોદરા શહેર-જિલ્લાની કુલ 106 સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં આયુષ્માન કાર્ડ અંતર્ગત કેશલેસ સારવારની સુવિધા ઉપલબ્ધ

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Fri 19 Dec 2025 08:27 PM (IST)Updated: Fri 19 Dec 2025 08:27 PM (IST)
vadodara-news-more-than-46-thousand-patients-received-cashless-treatment-under-ayushman-bharat-658418
HIGHLIGHTS
  • અત્યાર સુધી કુલ 10.15 લાખથી વધુ લાભાર્થીઓને આયુષ્માન કાર્ડથી સુરક્ષિત કરાયા

Ayushman Card: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર નાગરિકોને શ્રેષ્ઠ અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવા માટે કટિબદ્ધ છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના વડોદરા જિલ્લાના મધ્યમ અને જરૂરિયાતમંદ પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે.

વડોદરા જિલ્લા અને શહેરી વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા સઘન ઝુંબેશ ચલાવીને અત્યાર સુધીમાં અંદાજે 72 ટકા લક્ષ્યાંક પૂર્ણ કરી કુલ 10,15,913 નાગરિકોના આયુષ્માન કાર્ડ જનરેટ કરવામાં આવ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરોગામી વિઝન સમાન 'આયુષ્માન વય વંદના' યોજના વડોદરાના વરિષ્ઠ નાગરિકો માટે સંજીવની સમાન બની છે. 70 વર્ષથી વધુ વયના વડીલોને ગંભીર બીમારીઓના સમયે આર્થિક ચિંતામાંથી મુક્તિ અપાવવા માટે વડોદરા જિલ્લા અને કોર્પોરેશન દ્વારા અત્યાર સુધીમાં કુલ 1,43,407 વરિષ્ઠ નાગરિકોના કાર્ડ ઇશ્યૂ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સરકારી સેવાઓ સાથે જોડાયેલા 'જી' કેટેગરીના 6,640 કર્મચારીઓને પણ આ યોજના હેઠળ સુરક્ષિત કરવામાં આવ્યા છે.

વડોદરા જિલ્લામાં આયુષ્માન કાર્ડની અસરકારકતાનો અંદાજ તેના આંકડાઓ પરથી લગાવી શકાય છે. છેલ્લા માત્ર એક વર્ષમાં જિલ્લાના કુલ 46,366 લાભાર્થીઓએ ગંભીર અને સામાન્ય બીમારીઓ માટે આ કાર્ડના માધ્યમથી અંદાજે રૂ. 1.20 અબજની કિંમતની નિઃશુલ્ક સારવાર મેળવી છે.

સરકાર દ્વારા નાગરિકોના આરોગ્ય ખર્ચનો ભાર ઉપાડીને હોસ્પિટલોને પણ સમયસર ચુકવણું કરવામાં આવે છે. આ અંતર્ગત છેલ્લા એક વર્ષમાં 42,615 લાભાર્થીઓના ક્લેમ પેટે હોસ્પિટલોને રૂ. 1.09 અબજની રકમનું ચુકવણું સરકાર દ્વારા કરી દેવામાં આવ્યું છે.

આયુષ્માન યોજના હેઠળ વડોદરાના દર્દીઓને ઘરઆંગણે જ શ્રેષ્ઠ સારવાર મળી રહે તે માટે સરકારી અને ખાનગી હોસ્પિટલોનું વિશાળ નેટવર્ક કાર્યરત છે. હાલમાં વડોદરા જિલ્લા અને શહેરમાં 58 સરકારી હોસ્પિટલ, એક કેન્દ્ર સરકારની હોસ્પિટલ, 47 ખાનગી હોસ્પિટલ એમ કુલ 106 સંલગ્ન હોસ્પિટલોમાં હૃદયરોગ, કિડની, કેન્સર જેવી જટિલ સર્જરીઓથી લઈને અન્ય ગંભીર બીમારીઓની સારવાર વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

વડોદરા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયુષ્માન કાર્ડ કઢાવવાની કામગીરી સતત વેગવંતી રાખવામાં આવી છે, જેથી કોઈ પણ પાત્રતા ધરાવતો લાભાર્થી સારવારથી વંચિત ન રહે. "છેવાડાના માનવીને પણ આધુનિક આરોગ્ય સુવિધા મળે" સરકારના એવા સંકલ્પને વડોદરા જિલ્લાએ આ આંકડાકીય સિદ્ધિઓ દ્વારા ચરિતાર્થ કર્યો છે.