વડોદરામાં રેકોર્ડબ્રેક ગરમીથી રોડ પર કર્ફ્યુ જેવો માહોલ, તાપમાન 41 ડિગ્રીને પાર પહોંચતા રોડ પર ડામર પીગળવા લાગ્યો

કોંગ્રેસ કાઉન્સિલરે રોડની ગુણવત્તા પર સવાલ ઉઠાવતા રાજ કન્સ્ટ્રક્શન દ્વારા રોડ બનાવવામાં હલકી કક્ષાના મટીરિયલનો ઉપયોગ કરવાનામાં આવ્યો હોવાની શંકા વ્યક્ત કરી

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 12 Mar 2026 06:10 PM (IST)Updated: Thu, 12 Mar 2026 06:10 PM (IST)
vadodara-news-melting-roads-raise-questions-on-construction-quality
HIGHLIGHTS
  • ડામર પીગળતા રાહદારીઓના બુટ-ચંપલ ચોંટવા લાગ્યા
  • ટ્રાફિક સિગ્નલ પર ઉભા રહેવું પણ વાહનચાલકો માટે મુશ્કેલ

Vadodara: વડોદરા શહેર અને જિલ્લામાં માર્ચ મહિનાની શરૂઆતથી જ ઉનાળાનો પ્રકોપ તેજ બન્યો છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યના વિવિધ વિસ્તારોમાં રેડ, યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યા છે.

આ વચ્ચે ગતરોજ વડોદરામાં મોસમનો અત્યાર સુધીનો સૌથી ગરમ દિવસ નોંધાયો હતો. શહેરનું મહત્તમ તાપમાન 41.6 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચતા રસ્તાઓ પર લોકોની અવરજવર ઘટી ગઈ હતી અને અનેક વિસ્તારોમાં રોડ પર કર્ફ્યુ જેવો માહોલ સર્જાયો હતો.

એરપોર્ટ સ્થિત હવામાન કચેરીના આંકડા મુજબ, મંગળવારે શહેરનું મહત્તમ તાપમાન 41 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે ગતરોજ તેમાં 0.6 ડિગ્રીનો વધારો થઈ 41.6 ડિગ્રી સુધી પહોંચ્યું. બીજી તરફ લઘુત્તમ તાપમાનમાં 0.6 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. આખા દિવસ દરમિયાન આશરે 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ દિશાનો પવન ફૂંકાયો હતો. સતત વધી રહેલી ગરમીના કારણે નાગરિકો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે.

તીવ્ર ગરમીના કારણે શહેરના કેટલાક માર્ગો પર પાથરાયેલ ડામર પણ પીગળવા લાગ્યો હતો. જેના કારણે વાહનચાલકો તેમજ રાહદારીઓને મુશ્કેલી પડી રહી છે. કેટલીક જગ્યાએ તો લોકોના બુટ અને ચંપલ પણ રસ્તા સાથે ચોંટી જાય તેવી સ્થિતિ જોવા મળી હતી.

તાપમાન વધતા જાહેર માર્ગો પર વેપાર-ધંધો કરતા લોકોની હાલત પણ કફોડી બની ગઈ છે. ટ્રાફિક સિગ્નલ પર એક મિનિટ સુધી ઉભા રહેવું પણ વાહનચાલકો માટે મુશ્કેલ બની રહ્યું છે, જેના કારણે ટ્રાફિક શાખા દ્વારા બપોરે 12 થી 4 વાગ્યા દરમિયાન કેટલાક સિગ્નલો બંધ કરવાની ચર્ચા પણ શરૂ થઈ છે.

આ દરમિયાન શહેરના વોર્ડ નં. 1માં તાજેતરમાં બનાવવામાં આવેલા માર્ગની ગુણવત્તા અંગે પણ સવાલો ઉઠ્યા છે. ગરીબ નવાજ પાર્કથી લોકશેડવાળા રસ્તા મારફતે કલાસવા નાળા સુધી લાખો રૂપિયાના ખર્ચે બનેલા માર્ગ પર ડામર પીગળવા લાગતાં કોંગ્રેસના કાઉન્સિલરે મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તર ઝોનના કાર્યપાલક ઈજનેરને રજૂઆત કરી છે.

પોતાની રજૂઆતમાં જણાવાયું છે કે, આ કામ રાજ કન્સ્ટ્રક્શન દ્વારા કરવામાં આવ્યું હતું, પરંતુ હલકી કક્ષાના મટીરીયલનો ઉપયોગ કરાયો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે.

કાઉન્સિલરે માંગ કરી છે કે, આ રોડ સહિત વોર્ડ નં.1માં બનાવાયેલા અન્ય માર્ગોની વિજિલન્સ તપાસ કરાવવામાં આવે અને જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવામાં આવે. સાથે જ બાકી રહેલું ચુકવણું અટકાવવાની પણ માંગ ઉઠાવવામાં આવી છે.