વડોદરામાં વિશ્વામિત્રી નદીના મગરો વચ્ચે ફસાયો અસ્થિર મગજનો યુવક, ફાયર લાશ્કરોએ કર્યું દિલધડક રેસ્ક્યૂ

સયાજીગંજ વિસ્તારમાંથી વહેતી વિશ્વામિત્રી નદીમાં કોઈ કારણસર એક યુવક કૂદી ગયો હતો અને નદીની વચ્ચે આવેલા એક પથ્થર પર જઈને બેસી ગયો હતો.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Tue, 03 Nov 2026 03:10 PM (IST)Updated: Tue, 03 Nov 2026 03:10 PM (IST)
vadodara-news-man-rescued-from-crocodileinhabited-vishwamitri-river

Vadodara News: વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી અને મગરોના નિવાસસ્થાન તરીકે જાણીતી વિશ્વામિત્રી નદીમાં એક અસ્થિર મગજનો યુવક ફસાઈ જવાની ઘટના સામે આવી છે. નદીના પટમાં પથ્થર પર બેસી ગયેલા આ યુવકને વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની દાંડિયા બજાર ટીમે ભારે જહેમત અને સાવચેતીપૂર્વક રેસ્ક્યૂ કરી સુરક્ષિત બહાર કાઢ્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર, સયાજીગંજ વિસ્તારમાંથી વહેતી વિશ્વામિત્રી નદીમાં કોઈ કારણસર એક યુવક કૂદી ગયો હતો અને નદીની વચ્ચે આવેલા એક પથ્થર પર જઈને બેસી ગયો હતો. જ્યારે આ યુવક નદીમાં ફસાયો હોવાની જાણ સ્થાનિક તંત્રને થઈ, ત્યારે તાત્કાલિક ધોરણે દાંડિયા બજાર ફાયર સ્ટેશનની ટીમને એલર્ટ કરવામાં આવી હતી. ફાયરની ટીમ પરશુરામ ભઠ્ઠા વિસ્તાર નજીક નદીની કોતરોમાં પહોંચી ગઈ હતી અને ત્વરિત બચાવ કામગીરી શરૂ કરી હતી.

વિશ્વામિત્રી નદીમાં અવારનવાર મગરોની ભારે હાજરી જોવા મળતી હોય છે, જેના કારણે આ પ્રકારના ઓપરેશન જોખમી સાબિત થાય છે. આ પ્રતિકૂળ પરિસ્થિતિ વચ્ચે પણ ફાયરના જવાનો સીડી અને બોટ લઈને નદીના પટમાં ઉતર્યા હતા. રેસ્ક્યૂ દરમિયાન જાણવા મળ્યું કે યુવક માનસિક અસ્થિર મગજનો છે. ફાયરના જવાનોએ જ્યારે તેને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો ત્યારે તે ટીમની વાત માનવા તૈયાર નહોતો અને અપશબ્દો બોલવા લાગ્યો હતો. જવાનો સાથે રકજક છતાં, ફાયર કર્મીઓએ પોતાની સૂઝબૂઝ અને ધીરજ ગુમાવ્યા વગર તેને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.

મગરોના સતત જોખમ વચ્ચે ફાયર વિભાગે ભારે જહેમત બાદ સીડીની મદદથી આ યુવકને સુરક્ષિત રીતે નદીની બહાર કાઢવામાં સફળતા મેળવી હતી. આ ઓપરેશન દરમિયાન તાત્કાલિક 112 અભયમ અને પોલીસ ટીમની મદદ લેવામાં આવી હતી. રેસ્ક્યૂ પૂર્ણ થતાં જ પોલીસે યુવકને પોતાના તાબામાં લીધો હતો અને આગળની કાયદેસરની પૂછપરછ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં યુવકની માનસિક સ્થિતિ અસ્થિર હોવાનું જણાઈ આવ્યું છે.