વડોદરામાં ડમ્પર સામે કૂદીને આપઘાત, ડિવાઈડર પર ઉભો રહેલો વ્યક્તિ સામેથી પુરપાટ આવતા ડમ્પર આગળ કૂદ્યો; ઘટના CCTVમાં કેદ

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Wed 12 Apr 2023 08:51 PM (IST)Updated: Wed 12 Apr 2023 08:51 PM (IST)
vadodara-news-man-jumped-in-front-of-dumper-and-died-116076

વડોદરા.
વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં એક અજીબોગરીબ કિસ્સાના CCTV ફૂટેજ સામે આવ્યાં છે. જેમાં એક વ્યક્તિ રસ્તા પર આવેલ ડિવાઇડર પાસે લોકોની અવર જવર વચ્ચે મોતની રાહ જોઇ ઉભો રહેલો નજરે ચડે છે. આ દરમિયાન સામેથી પુરપાટ આવી રહેલા ડમ્પરને જોઈને ડિવાઈડર પર ઉભેલ વ્યક્તિ નીચે કૂદી પડે છે અને મોતને વ્હાલું કરે છે.

CCTVમાં જોઈ શકાય છે કે, ડમ્પર નીચે જંપલાવીને મોતને વ્હાલુ કરનાર વ્યક્તિ કોઈ શખ્સ સાથે વાતચીત કરી રહ્યો છે. થોડીવારમાં મકરપુરા વિસ્તારમાં આવેલ સુશેન ચાર રસ્તાથી તરસાલી તરફ પુરઝડપે જઈ રહેલા ડમ્પરને જોતા જ આ વ્યક્તિ કૂદી પડે છે. આ સમગ્ર ઘટના નજીકના CCTVમાં કેદ થઈ ગઈ હતી.

આ ઘટનાની જાણ થતાં મકરપુરા પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. હાલ તો પોલીસે મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો છે. આ સાથે જ મૃતકની ઓળખ મેળવવા તેમજ તેણે ક્યાં કારણોસર અંતિમ પગલું ભર્યું? તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.