Vadodara: નેશનલ એક્સપ્રેસ વે પર ગાડીમાં ગુપ્ત ખાનું બનાવીને લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો જપ્ત, રાજસ્થાની ડ્રાઈવર ઝડપાયો

ગાડીમાં બનાવેલા ગુપ્ત ખાનામાં વિદેશી શરાબની અલગ-અલગ બ્રાન્ડની 1276 બોટલો મળી આવી. વાપી સ્થિત મહારાષ્ટ્ર બોર્ડરથી ભરીને વડોદરા તરફ લવાતો હતો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 08 Mar 2026 09:54 PM (IST)Updated: Sun, 08 Mar 2026 09:54 PM (IST)
vadodara-news-lcb-busts-illegal-liquor-racket-1276-bottles-found-hidden-in-modified-vehicle
HIGHLIGHTS
  • ગાડીની નંબર પ્લેટ ના હોવાથી પોલીસે શંકાના આધારે આંતરીને તલાશી લીધી

Vadodara: વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી મોટા પ્રમાણમાં દારૂના સપ્લાય સામે પોલીસ સક્રિય બની છે. ખાસ કરીને વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) દ્વારા સતત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, જેના કારણે દારૂના ગેરકાયદેસર ધંધા પર નિયંત્રણ લાવવા પ્રયત્નો તેજ થયા છે.

તાજેતરમાં LCBની ટીમને વધુ એક મહત્વપૂર્ણ સફળતા મળી છે, જેમાં નેશનલ એક્સપ્રેસ-વે નંબર-4 પરથી ગુપ્ત ખાના બનાવેલી ગાડીમાંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો છે.

વડોદરા ગ્રામ્ય LCBના પીઆઈ કે.આર. સિસોદિયા અને તેમની ટીમ કરજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે, સુરત તરફથી એક સફેદ રંગની મહિન્દ્રા મેક્સ ગાડીમાં મોટી માત્રામાં દારૂ ભરાઈને વડોદરા તરફ લઈ જવાઈ રહ્યો છે. ખાસ વાત એ હતી કે, ગાડી પર નંબર પ્લેટ પણ નહોતી, જેના કારણે પોલીસે શંકા વ્યક્ત કરી હતી.

પાકી બાતમીના આધારે LCBની ટીમે કરજણ તાલુકાના સાંપા ગામ નજીક આવેલા નાળા પાસે વોચ ગોઠવી હતી. થોડા સમય બાદ શંકાસ્પદ ગાડી ત્યાંથી પસાર થતી જોવા મળતા પોલીસે ગાડીનો પીછો કરીને તેને કોર્ડન કરી અટકાવી હતી. જે બાદ ગાડીની તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં ગાડીમાં ખાસ પ્રકારનું ગુપ્ત ખાનું બનાવવામાં આવ્યું હતું, જેમાં વિદેશી દારૂની મોટી માત્રા છુપાવી રાખવામાં આવી હતી.

પોલીસે તપાસ કરતાં તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 1276 બોટલો મળી આવી હતી. જપ્ત કરાયેલ દારૂની કિંમત રૂ. 4,45,484 જેટલી હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત ગાડી અને મોબાઇલ સહિત કુલ રૂ. 9,50,484નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે.

આ કાર્યવાહી દરમિયાન પોલીસે ગાડી ચલાવતા ભજનલાલ રતનારામ ગોદારા (બિશ્નોઈ), રહે. દેવપુરા, જિ. જાલોર, રાજસ્થાનને સ્થળ પરથી ઝડપી પાડ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ ખુલાસો કર્યો હતો કે આ દારૂનો જથ્થો રામલાલ માલારામ બિશ્નોઈ (રહે. સીડીયા, તા. સાંચોર, રાજસ્થાન) દ્વારા મહારાષ્ટ્ર બોર્ડર પાસે વાપી નજીકથી ભરાવી આપવામાં આવ્યો હતો.

આ મામલે કરજણ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન કાયદા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ દ્વારા ફરાર આરોપીને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને સમગ્ર નેટવર્ક સુધી પહોંચવા પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.