Vadodara News: સોશિયલ મીડિયા પર હાલમાં એક ખૂબ જ સ્પર્શી લેતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં જૂનાગઢના માળિયા હાટીના તાલુકાના એક નાના ગામમાંથી આવતી અને નેશનલ ગોલ્ડ મેડલિસ્ટ ચેસ ખેલાડી વિશ્વા હિતેશભાઈ વાડોયા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રૂબરૂ જોઈને ભાવુક થઈ ગઈ હતી. વડાપ્રધાનને નજરોનજર નિહાળીને તેની આંખોમાં ખુશીના આંસુ છવાઈ ગયા હતા. પીએમ મોદી સમક્ષ પોતાની ભાવનાઓ વ્યક્ત કરતા તેણે કહ્યું હતું કે, મોદીજી, તમે મારા પિતાના ભગવાન છો અને તમને રૂબરૂ જોવાનું મારું એક સ્વપ્ન હતું જે આજે પૂરું થયું છે.
નેશનલ મેડાલિસ્ટ વિશ્વા વાડોયા કોણ છે?
વિશ્વાની આ પ્રેરણાદાયી સફર માત્ર એક વ્યક્તિગત સફળતા નથી, પરંતુ તે અનેક યુવતીઓ માટે એક મજબૂત મિસાલ સમાન છે. પોતાની સંઘર્ષ ભરેલી સફર વિશે વાત કરતા વિશ્વાએ જણાવ્યું કે, તેના વતન એવા નાના ગામમાં દીકરીઓને રમતગમતમાં ભાગ લેવાની છૂટ કે મંજૂરી મળતી ન હતી. રૂઢિચુસ્ત સામાજિક માનસિકતા અને પરિવાર પરના દબાણ વચ્ચે પણ તેના પિતાએ હિંમત દાખવી. પિતાના મક્કમ સમર્થનથી તેણે ગુજરાત સરકારના મહાત્વાકાંક્ષી પ્રોજેક્ટ 'ખેલ મહાકુંભ'માં પોતાનું નામ નોંધાવ્યું. આ એક જ પગલું તેની સમગ્ર કારકિર્દી અને ભવિષ્ય માટે સૌથી મોટું ટર્નિંગ પોઈન્ટ સાબિત થયું.
ગોલ્ડ મેડલ જીતીને ભારતનું નામ રોશન કર્યું
ખેલ મહાકુંભથી શરૂ થયેલી તેની આ રમતગમતની યાત્રા ગામના સીમાડા વટાવીને આગળ વધી. તેણે રાજ્ય સ્તરની સ્પર્ધાઓથી લઈને રાષ્ટ્રીય કક્ષાના ચેસ ચેમ્પિયનશિપમાં શાનદાર પ્રદર્શન કર્યું અને નેશનલ ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો. માત્ર રાષ્ટ્રીય સ્તરે જ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ તેણે પોતાની પ્રતિભાનું ડંકો વગાડ્યો અને FIDE રેટિંગ ટુર્નામેન્ટ્સમાં ભાગ લઈને ઉત્કૃષ્ટ દેખાવ કર્યો.
પીએમને જોતાં વિશ્વાના આંસુ છલકાયા
આજે કઠિન પરિશ્રમ અને ખેલ મહાકુંભ જેવા પ્લેટફોર્મના સહારાથી વિશ્વાએ પોતાની એક અલગ જ ઓળખ બનાવી છે. તે હાલમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અંતર્ગત ચેસ ટ્રેનર તરીકે સેવા આપી રહી છે અને અન્ય યુવાનોને પણ આ રમત માટે પ્રેરિત કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત વખતે તેની આ સફરના સંઘર્ષ અને સફળતાના ભાવ તેના આંસુઓ દ્વારા છલકાઈ ઉઠ્યા હતા, જેણે ઉપસ્થિત સૌ કોઈનું મિલન યાદગાર બનાવી દીધું.
