Vadodara News: વડોદરા જિલ્લામાં થર્ટી ફર્સ્ટની રાતે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ નશાખોરી પર અંકુશ આવે તે માટે પોલીસ દ્વારા વ્યાપક અને સઘન ચેકીંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. નવા વર્ષની ઉજવણી દરમિયાન કોઈ અપ્રિય ઘટના ન બને તે હેતુથી શહેર અને જિલ્લામાં પોલીસને હાઈ એલર્ટ પર રાખવામાં આવી હતી.
પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ શહેરના વિવિધ વિસ્તારો તેમજ ગ્રામ્ય પંથકમાં ખાસ ટીમો તૈનાત કરવામાં આવી હતી. પાર્ટી પ્લોટ, ફાર્મ હાઉસ, હાઈવે ઉપર આવેલા ધાબા, હોટેલ, રેસ્ટોરન્ટ તેમજ મુખ્ય રોડ રસ્તાઓ પર નાકાબંધી કરી વાહન ચેકીંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન સંદિગ્ધ પ્રવૃત્તિઓ ઉપર ખાસ નજર રાખવામાં આવી હતી.
દારૂબંધી અમલવારીને કડક બનાવવા માટે પણ વિશેષ કાર્યવાહી કરવામાં આવી હતી. સમગ્ર જિલ્લામાંથી અંદાજે 450 જેટલા અને શહેર વિસ્તારમાંથી 100 જેટલા દારૂ પીધેલા ઈસમોને પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. પકડાયેલા તમામ આરોપીઓ સામે નિયમ મુજબ ગુના દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો
નશીલા પદાર્થોની હેરાફેરી અને સેવન અટકાવવા માટે પોલીસે 25 જેટલી NDPS કીટ સાથે ચેકીંગ હાથ ધર્યું હતું. સંભવિત સ્થળોએ શંકાસ્પદ વ્યક્તિઓની તપાસ કરી ડ્રગ્સ સંબંધિત ગુનાઓ અટકાવવા માટે કડક પગલાં લેવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા કરવામાં આવેલા આ અભિયાનને કારણે નશાખોરો અને અસામાજિક તત્વોમાં ફફડાટ જોવા મળ્યો હતો.
પોલીસની આ સઘન કાર્યવાહીથી થર્ટી ફર્સ્ટની ઉજવણી શાંતિપૂર્ણ અને સલામત માહોલમાં સંપન્ન થઈ હતી. સામાન્ય નાગરિકોએ પણ પોલીસના પ્રયાસોને સહકાર આપી કાયદો અને વ્યવસ્થાનું પાલન કર્યું હતું. પોલીસે આગામી દિવસોમાં પણ આવી જ રીતે ચેકીંગ ચાલુ રાખવાની ચેતવણી આપી છે.
