Vadodara: વડોદરા શહેરના છેવાડે આવેલી અંકોડિયા-ભીમપુરા કેનાલમાં કૂદીને એક પ્રોઢે આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં પત્ની સાથે સામાન્ય બોલાચાલી બાદ આવેશમાં ઘરેથી નીકળેલો પતિ કેનાલમાં કૂદી પડ્યો હતો.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, વડોદરા શહેરના ગોરવા રોડ પર આવેલી ગોપાલભાઈ સોસાયટી ખાતે રહેતા કલ્પેશભાઈ વિનોદચંદ્ર મહેતા (48) ગત મોડી રાત્રે પોતાના ઘરે હાજર હતા. તે દરમિયાન કોઇ સામાન્ય બાબતને લઈને પત્ની સાથે તેમની બોલાચાલી થઈ હતી. વાતચીત ઉગ્ર બનતા આવેશમાં આવીને કલ્પેશભાઈ ઘરેથી નીકળી ગયા હતા અને દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે નજીક આવેલી અંકોડિયા-ભીમપુરા કેનાલના ઊંડા પાણીમાં ઝંપલાવી દીધું હતું.
આ ઘટનાની જાણ પરિવારજનો અને સ્થાનિક અગ્રણીઓને થતાં જ તાત્કાલિક ધોરણે વડોદરા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વાસણા ફાયર સ્ટેશનની રેસ્ક્યૂ ટીમ વહેલી સવારે જ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.
કેનાલના ધસમસતા અને ઊંડા પાણીના પ્રવાહ વચ્ચે ફાયર જવાનો દ્વારા બોટ અને ખાસ હૂકની મદદથી સઘન શોધખોળ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. કલાકોની ભારે જહેમત અને સંઘર્ષ બાદ છેવટે ઘટનાસ્થળથી આશરે ચાર કિલોમીટર દૂર આવેલા અંપાડ ગામ પાસેથી કલ્પેશભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો.
ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને આગળની કાયદેસરની કાર્યવાહી અર્થે વડોદરા તાલુકા પોલીસને સુપરત કર્યો હતો. પોલીસે તાત્કાલિક ધોરણે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ અર્થે નજીકની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. આ સમગ્ર સંદર્ભે વડોદરા તાલુકા પોલીસે હાલ આકસ્મિક મોતનો ગુનો નોંધીને આપઘાત પાછળના વાસ્તવિક કારણો અને પારિવારિક વિવાદની દિશામાં ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.
આ અચાનક બનેલી દુર્ઘટનાના કારણે કલ્પેશભાઈના પરિવાર પર આભ ફાટી પડ્યું છે. તેમના આકસ્મિક અવસાનથી પત્ની, એક પુત્ર અને એક પુત્રી નોધારા બની ગયા છે. પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલા માસૂમ સંતાનો અને પરિવારજનોના હૈયાફાટ રુદનથી સમગ્ર વાતાવરણ ગમગીન બની ગયું હતું.
