વડોદરા રંગોત્સવમાં રંગાયુંઃ યુવાનોમાં ધુળેટીનો જબરદસ્ત ઉત્સાહ, ડીજેના તાલ સાથે રંગોની છોળો ઉડતાં લોકો રીતસરના ઝૂમી ઉઠ્યા

આરાના ફાર્મ ખાતે યોજાયેલી હોળી પાર્ટીમાં ટામેટાની હોળી, મડ હોળી, ગુલાલ અને રેઈન ડાન્સે સૌનુ ધ્યાન ખેંચ્યું. રંગો સાથે મસ્તી, રેઈન ડાન્સ અને વિવિધ રમૂજી પ્રવૃત્તિઓએ યુવાનોમાં નવુ જો

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 04 Mar 2026 04:44 PM (IST)Updated: Wed, 04 Mar 2026 04:44 PM (IST)
vadodara-news-holi-party-2026-dj-music-gulal-selfies-and-festive-unity
HIGHLIGHTS
  • એકબીજા પર રંગ લગાવીને સૌએ પરસ્પર પ્રેમ અને એકતાનો સંદેશો આપ્યો
  • પોલીસ કમિશનરના નિવાસ સ્થાને ઈકો ફ્રેન્ડલી કલરથી ધુળેટીની ઉજવણી

Vadodara: વડોદરા શહેરમાં હોળી અને ધૂળેટી પર્વની આ વર્ષે વિશેષ ધામધૂમ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. આજે સવારથી જ શહેરભરમાં રંગો, ગુલાલ અને ડીજેના તાલે ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો. નાગરિકો હોળીના રંગે રંગાઈ ગયા હતા અને દરેક ચાર રસ્તો, સોસાયટી અને પાર્ટી પ્લોટ પર આનંદના દ્રશ્યો જોવા મળ્યા હતા.

શહેરના કમાટીબાગ બહાર મોર્નિંગ વોકર ગ્રુપ દ્વારા ભવ્ય ધૂળેટી ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. ડીજેના તાલ સાથે રંગોની છોળો ઊડી હતી અને હાજર રહેલા લોકો સંગીતના સુર પર ઝૂમી ઉઠ્યા હતા. એકબીજાને કલર લગાવી સૌએ પરસ્પર પ્રેમ અને એકતાનો સંદેશ આપ્યો હતો.

શહેરની આસપાસના વિવિધ પાર્ટી પ્લોટ પર યુવાનોનો ભારે જમાવડો જોવા મળ્યો હતો. ખાસ કરીને વાઘેશ્વરી ફાર્મ ખાતે આયોજિત કાર્યક્રમમાં ડીજેના ધમાકેદાર તાલે યુવાધન મસ્તીમાં ઝૂમી ઉઠ્યું હતું. રંગો સાથે મસ્તી, રેઈન ડાન્સ અને વિવિધ રમૂજી પ્રવૃત્તિઓએ યુવાનોમાં નવુ જોશ ભરી દીધું હતું. ખાણીપીણીની વિશેષ વ્યવસ્થા સાથે સુરક્ષા અને પાર્કિંગ માટે પણ અલગથી આયોજન કરાયું હતું.

naidunia_image

વડોદરાના આરાના ફાર્મ ખાતે યોજાયેલી હોળી પાર્ટીમાં ટામેટાની હોળી, મડ હોળી, ગુલાલ અને રેઈન ડાન્સ જેવા આકર્ષણો મુખ્ય રહ્યા હતા. સેલ્ફી અને રીલ્સ બનાવવા માટે પણ યુવાનોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો, જેના કારણે સમગ્ર વાતાવરણ રંગીન બની ગયું હતું.

આ સાથે શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમરના નિવાસસ્થાને પોલીસ પરિવાર દ્વારા ઇકો-ફ્રેન્ડલી કલર અને ફૂલોથી ધૂળેટી ઉજવાઈ હતી. વર્ષભર કાયદો અને વ્યવસ્થા જાળવતા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ શિસ્તબદ્ધ રીતે તહેવારની મજા માણી હતી. આ રીતે વડોદરામાં ધૂળેટી પર્વની ઉજવણી આનંદ, સુરક્ષા અને સંસ્કૃતિના સમન્વય સાથે સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી.