Vadodara Holi 2026: ઓર્ગેનિક ટ્રેન્ડ સાથે ઇલેક્ટ્રોનિક પીયકારીઓથી રંગીન બની વડોદરાની બજારો, કાર્ટૂન પાત્રો આકર્ષણનું કેન્દ્ર બન્યા

શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા બજારોમાં રંગબેરંગી પીચકારીઓ અને ઓર્ગેનિક રંગોની દુકાનો પર ભારે ભીડ ઉમટી રહી છે. ખાસ કરીને બાળકોમાં કાર્ટૂન પાત્રો આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Mon, 02 Mar 2026 12:07 PM (IST)Updated: Mon, 02 Mar 2026 12:07 PM (IST)
vadodara-holi-2026-markets-turn-colorful-with-organic-colors-electronic-pichkaris

Vadodara News: વડોદરા શહેરમાં રંગોના પર્વ ધૂળેટીની ઉજવણીને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હોળી પછીના દિવસે ગ્રહણ હોવાથી પરંપરાગત દિવસે ધૂળેટી ઉજવાશે નહીં, પરંતુ 4 માર્ચ, બુધવારે શહેરભરમાં રંગોત્સવ ઉજવાશે. આ અનોખી પરિસ્થિતિ વચ્ચે નાનાથી લઈને વડીલો સુધી દરેકમાં તહેવારને લઈને ખાસ થનગનાટ છે.

શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા બજારોમાં રંગબેરંગી પીચકારીઓ અને ઓર્ગેનિક રંગોની દુકાનો પર ભારે ભીડ ઉમટી રહી છે. ખાસ કરીને બાળકોમાં કાર્ટૂન પાત્રો આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ડોરેમોન, સ્પાઈડર મેન અને કેપ્ટન અમેરિકા જેવી આકર્ષક આકારવાળી પીચકારીઓ બાળકોમાં ખાસ લોકપ્રિય બની છે, જ્યારે દીકરીઓમાં બાર્બી ડોલ ડિઝાઇનવાળી પીચકારીની માંગ વધી છે. બાળકો પોતાના મનપસંદ ફુગ્ગા અને પાણીના રમકડાંની ખરીદીમાં વ્યસ્ત દેખાઈ રહ્યા છે.

naidunia_image

આ વર્ષે બજારમાં મોટરચાલિત ઇલેક્ટ્રોનિક પીચકારીઓએ ખાસ સ્થાન મેળવ્યું છે. એક વખત બટન દબાવતા સતત પાણી છૂટે તેવી આ નવીનતા પાંચ વર્ષથી વધુ ઉંમરના બાળકોમાં ખાસ પસંદગી બની છે. વેપારીઓના જણાવ્યા મુજબ, આવી પીચકારીઓની માંગ ગયા વર્ષની સરખામણીએ વધારે છે.

naidunia_image

રંગોની બાબતમાં પણ લોકો જાગૃત બન્યા છે. ત્વચાને નુકસાન ન કરે તેવા ઓર્ગેનિક રંગો તેમજ ફૂડ ગ્રેડ કલર્સની માંગ વધી છે. ચોકલેટ, ગુલાબ અને ગુલકંદ જેવી સુગંધવાળા રંગો ગ્રાહકોમાં આકર્ષણ જગાવી રહ્યા છે. સુરક્ષિત અને આરોગ્યપ્રદ વિકલ્પોને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. બીજી તરફ, શહેરના કેટલાંક પાર્ટી પ્લોટ્સમાં રેઇન ડાન્સ અને ડીજે કાર્યક્રમોની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. યુવાઓએ પહેલેથી જ એડવાન્સ બુકિંગ કરાવી દીધી છે અને મિત્રો સાથે રંગોત્સવ માણવાની તૈયારી કરી છે.

naidunia_image

જિલ્લા વહીવટી તંત્રએ સુરક્ષા હેતુસર મહીસાગર અને નર્મદા સહિતની નદીઓમાં ધૂળેટીના દિવસે નાહવા જવા પર પ્રતિબંધ જાહેર કર્યો છે. ભૂતકાળમાં બનેલા અકસ્માતોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. તહેવાર આનંદમય અને સુરક્ષિત રીતે ઉજવાય તે માટે તંત્રએ નાગરિકોને નિયમોનું પાલન કરવાની અપીલ કરી છે.