GPSSB Talati Exam 2025: આજે મહેસૂલી તલાટીની પરીક્ષા, વડોદરામાં 45 હજારથી વધુ ઉમેદવારો; ગેરરીતિ અટકાવવા કડક બંદોબસ્ત

GPSSB Talati Exam 2025: વડોદરામાં મહેસૂલી તલાટી પરીક્ષા માટે 45 હજારથી વધુ ઉમેદવારો, ગેરરીતિ અટકાવવા બાયોમેટ્રિક વેરિફિકેશન, CCTV અને પોલીસ બંદોબસ્ત ગોઠવાયો.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Sun, 14 Sep 2025 11:26 AM (IST)Updated: Sun, 14 Sep 2025 11:26 AM (IST)
vadodara-news-gpssb-talati-exam-2025-vadodara-45000-candidates-security
HIGHLIGHTS
  • વડોદરામાં 45 હજારથી વધુ ઉમેદવારો મહેસૂલી તલાટી પરીક્ષામાં હાજર, 173 કેન્દ્રો નક્કી
  • ગેરરીતિ અટકાવવા બાયોમેટ્રિક વેરિફિકેશન, CCTV અને લાઈવ મોનિટરિંગની વ્યવસ્થા
  • પરીક્ષા કેન્દ્રો આસપાસ કડક પોલીસ બંદોબસ્ત, ઝેરોક્ષ દુકાનો બંધ અને ભેગા થવા પર પ્રતિબંધ

GPSSB Talati Exam 2025: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GPSSB) દ્વારા આજે રાજ્યભરમાં મહેસૂલી તલાટી વર્ગ-3ની પ્રાથમિક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરીક્ષા માટે માત્ર વડોદરા જિલ્લામાં જ 173 પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે, જ્યાં અંદાજે 45,000થી વધુ ઉમેદવારો હાજરી આપી રહ્યા છે.

બાયોમેટ્રિક અને CCTV વડે ગેરરીતિ પર નિયંત્રણ

પરીક્ષાનો સમય બપોરે 2 થી સાંજે 5 વાગ્યા સુધીનો છે. જોકે, ગેરરીતિ અટકાવવાના ભાગરૂપે ઉમેદવારોને બપોરે 12 વાગ્યા સુધીમાં પરીક્ષા કેન્દ્ર પર પહોંચી જવાની સૂચના આપવામાં આવી છે. આ વખતે પ્રવેશ માટે બાયોમેટ્રિક વેરિફિકેશનની નવી વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે, જેના બાદ જ ઉમેદવારોને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.

પોલીસ બંદોબસ્ત અને કડક નિયમો લાગુ

પરીક્ષાની પારદર્શિતા જાળવવા માટે મંડળે અનેક કડક પગલાં લીધા છે. સમગ્ર પરીક્ષાનું ગાંધીનગરથી લાઈવ મોનિટરિંગ થઈ રહ્યું છે અને દરેક કેન્દ્ર પર CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે પોલીસ તંત્ર દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પરીક્ષા કેન્દ્રની 100 મીટરની ત્રિજ્યામાં ચારથી વધુ વ્યક્તિઓ એકત્રિત થઈ શકશે નહીં. આ ઉપરાંત, પરીક્ષા દરમિયાન તમામ ઝેરોક્ષ સેન્ટરો બંધ રાખવાની સૂચના આપવામાં આવી છે.

પરીક્ષા કેન્દ્રોની વિશેષ સૂચનાઓ

પરીક્ષા કેન્દ્રની આસપાસ વાહનો ઊભા રાખવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પ્રવેશ માત્ર પરીક્ષા સંચાલકો, સરકારી પ્રતિનિધિઓ અને વર્ગ-4ના કર્મચારીઓ માટે જ માન્ય રાખવામાં આવ્યો છે, તે પણ માન્ય ઓળખપત્ર સાથે. વડોદરામાં ઉમેદવારોની મોટી સંખ્યાને જોતાં તમામ કેન્દ્રો પર પોલીસ અને વહીવટી તંત્રની સઘન તૈનાતી જોવા મળી રહી છે. તંત્રને આશા છે કે કડક નિયમો અને દેખરેખને કારણે આ પરીક્ષા ગેરરીતિ વિના અને પારદર્શક રીતે પૂર્ણ થશે.