Vadodara News: વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યુ, કોંગ્રેસને ટેકો જાહેર કર્યો

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Mon, 22 Apr 2024 02:57 PM (IST)Updated: Mon, 22 Apr 2024 02:58 PM (IST)
vadodara-news-former-waghodia-mla-madhu-srivastav-withdraws-nomination-form-declares-support-to-congress

Vadodara News: વાઘોડિયા બેઠકના પૂર્વ ધારાસભ્ય અને દબંગ નેતા મધુ શ્રીવાસ્તવે અપક્ષ ઉમેદવાર તરીકે વિધાનસભાની પેટા ચૂંટણીમાં ફોર્મ ભર્યું હતું અને જીતનો હુંકાર કર્યો હતો પરંતુ હવે તેમણે પીછેહઠ કરી છે અને પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લીધું છે. આ સાથેજ તેમણે કોંગ્રેસને ટેકો જાહેર કર્યો છે.

લોકસભાની ચૂંટણી અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે ફોર્મ પરત ખેંચવાનો આજે છેલ્લો દિવસ છે. આજે છેલ્લા દિવસે વાઘોડિયા બેઠક પર મોટો ઉલટફેર જોવા મળ્યો છે. વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ મામલતદાર કચેરીએ પહોંચતાજ અનેક તર્ક-વિતર્ક સર્જાયા હતા. એવા અનુમાન પણ લગાવવામાં આવ્યા હતા કે તેઓ પોતાની ઉમેદવારી પરત ખેંચશે.

જેવા અનુમાન લગાવવામાં આવી રહ્યા હતા, એ સાચા ઠર્યા છે. દબંગ નેતા મધુ શ્રીવાસ્તવે પોતાની ઉમેદવારી પરત ખેંચીને ચૂંટણીમાં પીછેહઠ કરી છે. હવે વાઘોડિયા બેઠક પર ત્રિપાંખિયો જંગ જોવા નહીં મળે. સીધી ટક્કર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોવા મળશે. જોકે મધુ શ્રીવાસ્તવે કોંગ્રેસને ટેકો જાહેર કર્યો છે. નોંધનીય છેકે, ગત વિધાનસભા ચૂંટણીમાં મધુ શ્રીવાસ્તવે ડિપોઝીટ ગુમાવવી પડી હતી.

ઉમેદવારી પરત ખેંચ્યા બાદ મધુ શ્રીવાસ્તવે નિવેદન આપ્યું છેકે, ક્ષત્રિય સમાજ થકી અત્યાર સુધી હું ચૂંટણી જીતતો આવ્યો હતો. અને હાલ જે સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય આંદોલન ચાલી રહ્યું છે તેમાં હું ક્ષત્રિયોની સાથે છું. હું ક્ષત્રિય છું એટલે ક્ષત્રિય સમાજને સપોર્ટ કરવાનો છું. હું કોંગ્રેસને ખુલ્લેઆમ સપોર્ટ કરવાનો છું.