Vadodara News: વડોદરા શહેરની વિવિધ હોસ્ટેલોમાં રહેતા વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે થતા ચેડાં સામે ફુડ સેફ્ટી વિભાગે લાલ આંખ કરી છે. પાલિકાના ફુડ સેફ્ટી ઓફીસરોની ટીમે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં આવેલી 17 જેટલી સરકારી, અર્ધસરકારી અને પ્રાઇવેટ હોસ્ટેલોની કેન્ટીનોમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું. આ કામગીરી દરમિયાન ગંભીર ક્ષતિઓ સામે આવતા 4 કેન્ટીનોને તાળા મારી દેવાયા છે, જ્યારે 25 કિલો અખાદ્ય પદાર્થનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો છે.
તપાસ દરમિયાન એમ.એસ. યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલની 4 કેન્ટીનોમાં અત્યંત અસ્વચ્છતા (અનહાઇજેનિક કંડિશન) જોવા મળી હતી. ત્યાંથી વાસી નૂડલ્સ, વાસી ભાત, ખરાબ બટાકા અને વાસી લોટ મળીને કુલ 25 કિલો અખાદ્ય જથ્થો જપ્ત કરી તેનો નાશ કરાયો હતો. આ સિવાય પંડ્યા બ્રિજ સ્થિત સમરસ ગર્લ્સ હોસ્ટેલ, ઓલ્ડ પાદરા રોડની નર્સિંગ કોલેજ તેમજ ગોત્રી રોડ પર આવેલી GMERS ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલની કેન્ટીનમાં પણ અસ્વચ્છતા જણાતા કુલ 8 કેન્ટીન યુનિટોને 'શીડ્યુલ 4' ની નોટીસ ફટકારવામાં આવી છે.
બીજી તરફ, નિયમોનું ઉલ્લંઘન કરીને લાયસન્સ કે રજિસ્ટ્રેશન વગર જ ધમધમતી 4 કેન્ટીનો સામે કડક કાર્યવાહી કરી તેમને તાત્કાલિક અસરથી બંધ કરાવવામાં આવી હતી. જેમાં તરસાલીની રવિશંકર મહારાજ ઉમા છાત્રાલય, દરજીપુરા ખાતેની આદર્શ નિવાસી વિકસિત જાતિ કન્યા છાત્રાલય તથા કન્યા શાળા અને ગોત્રી રોડ પર આવેલી GMERS ઇન્ટર્ન હોસ્ટેલની કેન્ટીનનો સમાવેશ થાય છે.
વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે ખીલવાડ કરતી કેન્ટીન સંચાલકો સામે ફુડ સેફ્ટી વિભાગની આ આક્રમક કામગીરીથી સમગ્ર શૈક્ષણિક આલમ અને કેન્ટીન સંચાલકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. પાલિકા દ્વારા આગામી દિવસોમાં પણ આવી ચકાસણી ચાલુ રાખવાની ચીમકી આપવામાં આવી છે.
