Vadodara News: વડોદરા શહેર નજીક આવેલી નંદેસરી ઔદ્યોગિક વસાહત સ્થિત ફાર્મસન ફાર્માસ્યુટિકલ કંપનીમાં ફરજ બજાવતા એક આશાસ્પદ યુવકનું અગમ્ય કારણોસર કરૂણ મોત નિપજતા ભારે ચકચાર મચી ગઈ છે. આ ઘટનાને પગલે મૃતકના પરિવારજનો, ગ્રામજનો અને સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા અને જ્યાં સુધી ન્યાય અને યોગ્ય વળતર ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો.
યુવકના મોતથી હોસ્પિટલમાં પરિવરાજનોનો આક્રંદ
પ્રાપ્ત વિગતો અનુસાર, મૂળ આણંદ જિલ્લાના ભેટાસી ગામના વતની વિક્રમસિંહ જયંતીભાઈ પરમાર નંદેસરીની ફાર્મસન ફાર્માસ્યુટિકલ કંપનીમાં કામ કરતા હતા. કંપનીમાં કામગીરી દરમિયાન અગમ્ય સંજોગોમાં તેમનું મોત નિપજ્યું હતું. યુવકના અકાળે અવસાનના સમાચાર વાયુવેગે ભેટાસી ગામમાં ફેલાતા શોકનું મોજું ફરી વળ્યું હતું. ઘટનાની જાણ થતા જ મૃતકના પરિવારજનો, મિત્રો અને મોટી સંખ્યામાં સ્થાનિક ગ્રામજનો તાત્કાલિક વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.
પરિવારના આધારસ્તંભ સમાન યુવકના મોતથી સ્વજનોના આક્રંદથી હોસ્પિટલ પરિસરમાં ગમગીની છવાઈ ગઈ હતી. આ ગંભીર બનાવની જાણ થતા જ કરણી સેનાના યુવા અધ્યક્ષ લખન દરબાર પણ પોતાના સમર્થકો સાથે એસ.એસ.જી. હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને શોકગ્રસ્ત પરિવારને સાંત્વના પાઠવી ન્યાય અપાવવાની ખાતરી આપી હતી. હોસ્પિટલ ખાતે એકત્ર થયેલા પરિવારજનો અને આગેવાનોએ કંપની સંચાલકોની બેદરકારી સામે આકરા પ્રહારો કર્યા હતા.
તટસ્થ તપાસ અને યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી માગ
આગેવાનોએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારતા જણાવ્યું હતું કે, કંપનીમાં થયેલા આ અપમૃત્યુ મામલે તટસ્થ અને ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ. આ ઉપરાંત, મૃતક યુવકના પરિવારને આર્થિક આધાર મળી રહે તે માટે કંપની દ્વારા યોગ્ય અને સન્માનજનક વળતર ચૂકવવામાં આવે તેવી પ્રબળ માંગ કરવામાં આવી છે. જો કંપની મેનેજમેન્ટ દ્વારા યોગ્ય વળતરની માંગણી સ્વીકારવામાં નહીં આવે, તો મૃતક યુવકના મૃતદેહ સાથે કંપનીના મુખ્ય ગેટ પર ઉગ્ર વિરોધ પ્રદર્શન અને હલ્લાબોલ કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, ઔદ્યોગિક એકમોમાં કામદારોની સેફ્ટીના પૂરતા સાધનો અને સુરક્ષાના નિયમોના અભાવે આવા કરૂણ બનાવો વારંવાર બનતા રહે છે, ત્યારે જવાબદારો સામે કડક કાર્યવાહી થાય તેવી લોકમાંગ ઉઠી છે.
