Vadodara: રેસકોર્સ રોડના ગોલ્ડ શૉ રૂમમાં ચોરીનો ભેદ ઉકેલાયો, કર્મચારીએ જ 4 સોનાની ચેઈન બદલીને નકલી મૂકી દીધી હતી

વડોદરાના રેસકોર્સ રોડ પરના એક ગોલ્ડ શોરૂમમાં કર્મચારી ફેઝલ મન્સુરીએ અસલી સોનાની ચેઈન ચોરી કરીને નકલી મૂકી દીધી હતી. સ્ટોક ચેકિંગ અને CCTV ફૂટેજથી ભાંડો ફૂટતા 9 લાખથી વધુની કિંમતની ચોરીનો પર્દાફાશ થયો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 21 Aug 2026 10:01 PM (IST)Updated: Fri, 21 Aug 2026 10:01 PM (IST)
vadodara-news-executive-arrested-for-replacing-real-gold-chains-with-counterfeits-in-race-course-road-showroom

પ્રશાંત ગજ્જર, Vadodara News: વડોદરાના રેસકોર્સ રોડ પર આવેલા એક નામાંકિત ગોલ્ડ એન્ડ ડાયમંડ્સના શોરૂમમાં ચોરીનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શોરૂમમાં સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે ફરજ બજાવતા ફેઝલ સલીમ મન્સુરી નામના કર્મચારીએ ડિસ્પ્લેમાં રહેલી અસલી સોનાની ચેઈન ચોરી કરી તેની જગ્યાએ નકલી ચેઈન મૂકી દીધી હોવાનું બહાર આવ્યું છે.

કંપની દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા સ્ટોક ચેકિંગ દરમિયાન આ કાળી કરતૂતનો ભાંડો ફૂટ્યો હતો. પ્રાથમિક તપાસમાં એક ચેઈન શંકાસ્પદ જણાતા CCTV ફૂટેજ ચકાસવામાં આવ્યા હતા. ફૂટેજમાં તા. 12 ઓગસ્ટના રોજ સાંજે સાડા સાત વાગ્યાના અરસામાં આરોપી ફેઝલ ડિસ્પ્લેમાંથી સોનાની ચેઈન લઈને રિપેરિંગ ટેબલ તરફ જતો અને બાદમાં વોશરૂમમાં જઈને અસલી ચેઈનની જગ્યાએ નકલી ચેઈન મૂકતો નજરે પડ્યો હતો.

આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરતાં જાન્યુઆરી, ફેબ્રુઆરી અને જૂન તેમજ તા. 12 ઓગસ્ટે મળીને કુલ ચાર સોનાની ચેઈન ગાયબ હોવાનું સ્પષ્ટ થયું હતું. જાન્યુઆરી મહિનામાં 18.450 ગ્રામ (કિંમત રૂ. 3,21,565) અને ફેબ્રુઆરી મહિનામાં 16.465 ગ્રામ (કિંમત રૂ. 2,81,719) ની ચેઈન ચોરાઈ હોવાનું જણાયું હતું.

શોરૂમ દ્વારા પૂછપરછ કરાતા ફેઝલે જૂન અને ઓગસ્ટ મહિનામાં ચોરેલી બે ચેઈન પરત આપી દીધી હતી, પરંતુ જાન્યુઆરી અને ફેબ્રુઆરીની અંદાજે રૂ. 6 લાખથી વધુ કિંમતની બંને ચેઈન અંગે તેણે કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો. આ તમામ ચોરાયેલા સોનાની કુલ કિંમત અંદાજે રૂ. 9 લાખથી વધુ હોવાનો અંદાજ છે.

શોરૂમના કર્મચારી રેવન ગણપતરાવ ગુજરે દ્વારા આ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. આરોપીએ આ કારનામું એકલા હાથે કર્યું છે કે અન્ય કોઈ કર્મચારીની મિલીભગત છે તે દિશામાં પોલીસે સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે સઘન તપાસ શરૂ કરી છે.