ડ્રગ્સ માફિયા સલીમ ડોલાના નેટવર્ક પર EDની મેગા સ્ટ્રાઇક: ગુજરાતના અંકલેશ્વર, સુરત અને રાજકોટ સહિત 21 સ્થળોએ સર્ચ ઓપરેશન

ડ્રગ્સ માફિયા સલીમ ડોલાના આંતરરાષ્ટ્રીય નેટવર્ક પર EDની મેગા સ્ટ્રાઇક. ગુજરાત અને મુંબઈના 21 સ્થળોએ દરોડા પાડી કરોડોની સંપત્તિ, સોનું અને રોકડ જપ્ત કરાઈ.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Fri, 05 Jun 2026 07:20 AM (IST)Updated: Fri, 05 Jun 2026 07:22 AM (IST)
vadodara-news-ed-raid-salim-dola-drugs-network-gujarat-mumbai

પ્રશાંત ગજ્જર, વડોદરા: આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટના ભંડોળ અને કાળા નાણાંની હેરાફેરી વિરુદ્ધ એન્ફોર્સ ડિરેક્ટોરેટ (ED) દ્વારા એક બહુમોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. કુખ્યાત ડ્રગ્સ માફિયા સલીમ ઇસ્માઇલ ડોલા અને તેના સહયોગીઓ દ્વારા સંચાવિત "ટ્રાન્સ-નેશનલ ઓર્ગેનાઇઝ્ડ નાર્કોટિક્સ ટ્રાફિકિંગ સિન્ડિકેટ" સામેની તપાસના સંદર્ભમાં EDની મુંબઈ ઝોનલ ઓફિસ દ્વારા આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA), 2002 હેઠળ ગત 2 અને 3 જૂન, 2026ના રોજ મુંબઈ ઉપરાંત ગુજરાતના સુરત, અંકલેશ્વર અને રાજકોટ સહિત કુલ 21 સ્થળોએ સામૂહિક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

એન્ડ-ટુ-એન્ડ નોડ્સ પર ત્રાટકી ED

ED દ્વારા હાથ ધરવામાં આવેલા આ સર્ચ ઓપરેશનમાં સલીમ ડોલાના સંગઠિત નાર્કોટિક્સ નેટવર્કને સંપૂર્ણપણે આવરી લેવામાં આવ્યું છે. આ ઓપરેશનમાં સિન્ડિકેટ સાથે જોડાયેલા એન્ડ-ટુ-એન્ડ નોડ્સ, જેવા કે પ્રતિબંધિત રસાયણ સપ્લાયર્સ, રાસાયણિક વેપારીઓ, સિન્થેટિક નાર્કોટિક ડ્રગ મેફેડ્રોન (MD) ના ઉત્પાદકો અને વિતરકો, હવાલા ઓપરેટરો તેમજ આ ડ્રગ સિન્ડિકેટ દ્વારા મેળવેલા કાળા ભંડોળમાંથી કરોડો રૂપિયાની બેનામી મિલકતો વસાવનારા વ્યક્તિઓને નિશાન બનાવવામાં આવ્યા છે. આ આકરી કાર્યવાહી પાછળનો મુખ્ય હેતુ ગેરકાયદેસર સપ્લાય ચેઇન અને મની લોન્ડરિંગ ઇકોસિસ્ટમની મહત્વપૂર્ણ કડીઓને તોડીને સિન્ડિકેટના નાણાકીય માળખાને જડમૂળથી જ નાશ કરવાનો છે.

કરોડોની સંપતિઓ, સોનું અને વિદેશી ચલણ જપ્ત

  • બેંક ખાતા ફ્રીઝ: ED દ્વારા હાથ ધરવામાં આવેલી કડક કાર્યવાહીમાં સલીમ ડોલા અને તેના સાગરીતોના અલગ-અલગ બેંક ખાતાઓ શોધી કાઢીને, તેમાં રહેલી આશરે રૂ. 1.33 કરોડની રકમને ફ્રીઝ કરી દેવામાં આવી છે.
  • રોકડ અને સોનાની જપ્તી: દરોડા દરમિયાન માત્ર મોટી માત્રામાં રોકડ જ નહીં, પરંતુ સોનાની લગડીઓ અને વિદેશી ચલણ પણ મળી આવ્યું છે, જેમાં 2200 યુએસ ડોલર રોકડા શામેલ છે.
  • દુબઈ સુધી ફેલાયેલું પ્રોપર્ટી નેટવર્ક: તપાસ એજન્સીએ ભારત સહિત દુબઈમાં આવેલી કરોડો રૂપિયાની સ્થાવર મિલકતોના દસ્તાવેજો કબજે કર્યા છે. આ કાગળો પરથી સ્પષ્ટ થાય છે કે ડ્રગ સિન્ડિકેટ દ્વારા કમાયેલા કાળા નાણાંનું મોટા પાયે આંતરરાષ્ટ્રીય સ્તરે રોકાણ કરવામાં આવ્યું હતું.

અનેક FIRના આધારે શરૂ થઈ તપાસ

આ હાઈ-પ્રોફાઈલ મામલામાં તપાસની શરૂઆત મુંબઈની વિવિધ કાયદા અમલીકરણ એજન્સીઓ દ્વારા સલીમ ડોલા અને અન્ય લોકો સામે માદક દ્રવ્યોની ગેરકાયદેસર હેરફેર અને સાયકોટ્રોપિક પદાર્થોના ગેરકાયદેસર વેપાર (NDPS Act) સંબંધિત ગુનાઓ હેઠળ નોંધાયેલી અનેક FIRના આધારે કરવામાં આવી હતી. EDની તપાસમાં સામે આવ્યું છે કે આ નેટવર્ક અત્યંત વ્યવસ્થિત અને આંતરરાષ્ટ્રીય સ્તરે સક્રિય છે.

અત્યાર સુધી હાથ ધરાયેલી તપાસમાં એક અત્યંત સંગઠિત આંતરરાષ્ટ્રીય ગુનાહિત નેટવર્કનું અસ્તિત્વ હોવાનું સ્પષ્ટ ખુલ્યું છે. આ સિન્ડિકેટ પ્રતિબંધિત પૂર્વગામી રસાયણોની ગેરકાયદે ખરીદ, ગુપ્ત લેબોરેટરીઓમાં મેફેડ્રોન (MD ડ્રગ્સ)નું ઉત્પાદન, આંતરરાજ્ય પરિવહન અને માદક દ્રવ્યોના વિતરણમાં સંડોવાયેલું છે.

આ સિન્ડિકેટ દ્વારા ડ્રગ્સના વેચાણમાંથી મળતી કરોડોની કમાણીને હવાલા ચેનલો દ્વારા સગેવગે કરવામાં આવતી હતી અને સહયોગીઓ તેમજ ડમી વ્યક્તિઓના નામે જંગમ અને સ્થાવર સંપત્તિઓ ખરીદવામાં આવતી હતી. આ મામલે ED દ્વારા હજુ પણ વધુ ઊંડાણપૂર્વકની તપાસ ચાલુ હોવાથી આગામી દિવસોમાં વધુ ચોંકાવનારી વિગતો અને સંપત્તિઓ હાથ લાગે તેવી પ્રબળ શક્યતા છે.