Vadodara: પાદરા તાલુકાના વડુ ગામે રહેતી પરિણીતાએ પોતાના પતિ, સાસુ–સસરા તથા પતિની ગર્લફ્રેન્ડ વિરુદ્ધ સંગીન આક્ષેપો સાથે ફરિયાદ નોંધાવી છે. જેમાં અન્ય સ્ત્રી સાથે અનૈતિક સબંધો હોવાથી પતિ છૂટાછેડા આપવા માટે દબાણ કરતો હોવાનો તેમજ સાસરિયા દહેજ માટે ત્રાસ આપતા હોવાની ફરિયાદ નોંધાવી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, વડુગામના લુહારવાડામાં રહેતી નેતલ લુહાર (35)ના લગ્ન ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના તખતપુરા ગામમાં રહેતા ખુશાલ લુહાર સાથે થયા હતા. જો કે લગ્નના થોડા સમય બાદ ફરિયાદીને જાણ થઈ હતી કે, પતિ ખુશાલને પન્ના નામની અન્ય સ્ત્રી સાથે પ્રેમ સબંધ છે. જેને લઈને ઘરમાં અવારનવાર ઝઘડા થવા લાગ્યા હતા.
આ પણ વાંચો
ગત 16 જાન્યૂઆરીના રોજ પતિ ખુશાલ તથા સાસુ સીતાબેન અને સસરા અમૃતભાઈએ નાની નાની બાબતે ફરિયાદી સાથે ઝઘડો કર્યો હતો. જે બાદ દહેજ રૂપે મકાન ખરીદી આપવા માટે પિયરિયા પાસેથી રૂપિયા લાવવા દબાણ કર્યું હતું. આ દરમિયાન ગાળો બોલતા જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
બીજા દિવસે પતિના મોબાઈલ ફોન પર પ્રેમિકા પન્નાના મેસેજ અને કોલ આવતા તે બાબતે પૂછીને સ્પષ્ટતા માંગી હતી. જેથી ઉશ્કેરાયેલા પતિએ ફરિયાદીને જણાવ્યું હતું કે, મારે પન્ના સાથે પ્રેમસબંધ છે અને તેની સાથે લગ્ન કરવા માંગે છે. આ સાથે મારપીટ કરી પત્નીને ઘરમાંથી કાઢી મૂકવાની ધમકી પણ આપી હતી.
આ ઘટના બાદ નેતલ પતિની પ્રેમિકા પન્નાને મળવા ગઈ હતા.જ્યાં પન્નાએ સ્પષ્ટ કહી દીધું કે, તેમના છૂટાછેડા થયા છે અને હવે તેઓ ખુશાલ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. નેતલને ત્રણ સંતાનો હોવા છતાં પન્નાએ ‘તમે અમારા વચ્ચેથી નીકળી જજો, નહિ તો જાનથી મારી નાખીશું’ એવી ધમકી આપીને માનસિક ત્રાસ પહોંચાડ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
પછી નેતલબેન જ્યારે મદદ માટે સાસુ–સસરાને મળ્યા ત્યારે તેમણે પણ ખુશાલભાઈના પક્ષમાં બોલીને નેતલબેનને જ છૂટાછેડા આપવા દબાણ કરતાં ઝઘડો કર્યો હતો. ત્રણ દિવસ બાદ રાત્રીના દસ વાગ્યે પતિ ખુશાલે ફરી મારપીટ કરી ઘર છોડી ચાલ્યા ગયા હતાં. ફોન કરતાં તેઓનો સંપર્ક ન થતાં નેતલબેન વધુ નિરાધાર બની. આ તમામ બાબતો સાસુ–સસરાને જણાવતાં તેમણે નેતલબેનને બાળકો સાથે પહેરેલા કપડામાં જ પિયરમાં જવાનું કહ્યું હતું અને તેમને ટેકાદેવા બદલે શારીરિક–માનસિક ત્રાસ આપ્યો હતો.
આથી પરિસ્થિતિનો સામનો કરતા નેતલબેન વડુગામ પિયરમાં આવી પતિ, સાસુ–સસરા અને પન્નાબેન સામે મારપીટ, ધમકી, માનસિક ત્રાસ તથા છૂટાછેડા માટે દબાણ કરવાનો ગુનો નોંધાવ્યો છે. પોલીસ દ્વારા ફરિયાદની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
