Vadodara News: વડોદરા શહેરમાં ચોમાસાની ઋતુ વચ્ચે ડેન્ગ્યુ અને સામાન્ય તાવના કેસોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. શહેરની મુખ્ય સરકારી હોસ્પિટલોમાં છેલ્લા ૧૫ દિવસના આંકડા સામે આવ્યા છે, જે તંત્ર માટે લાલબત્તી સમાન છે. સયાજી (SSG) હોસ્પિટલમાં ડેન્ગ્યુના 24 કેસ અને GMERS ગોત્રી હોસ્પિટલમાં 26 કેસ મળીને કુલ 50 દર્દીઓ નોંધાયા છે. આ સિવાય બે દિવસ પહેલાં છોટાઉદેપુરની એક માસૂમ બાળકીનું ડેન્ગ્યુની સારવાર દરમિયાન મોત નીપજતાં આરોગ્ય તંત્ર દોડતું થયું છે.
જોકે રાહતની વાત એ છે કે અમદાવાદ અને સુરત જેવા મોટા શહેરોની સરખામણીએ વડોદરામાં અત્યારે કેસોનું પ્રમાણ ઓછું છે, પરંતુ પરિસ્થિતિ ગંભીર બને તે પહેલાં જાગવાની જરૂર છે. વડોદરા મહાનગરપાલિકા સંચાલિત તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHC) અને સામુહિક આરોગ્ય કેન્દ્રો (CHC) ખાતે પણ સામાન્ય તાવ અને ડેન્ગ્યુના લક્ષણો ધરાવતા દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે.
શહેરની મધ્યમાં આવેલી સૌથી મોટી સયાજી હોસ્પિટલમાં સામાન્ય દિવસોમાં દરરોજ 2000 થી 2200 દર્દીઓની OPD રહેતી હોય છે. પરંતુ હાલ તાવના કેસો વધતાં OPDમાં રોજના 1000 જેટલા વધારાના દર્દીઓ નોંધાઈ રહ્યા છે.
ચોમાસા બાદ ઠેર-ઠેર ભરાઈ રહેલા સ્થિર અને ચોખ્ખા પાણીમાં ડેન્ગ્યુ ફેલાવતા એડીસ ઇજિપ્તી મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે. રહીશો અને તંત્ર બંને દ્વારા પાણીનો નિકાલ ન કરવામાં આવે તો આ મચ્છરોનો ઉછેર ઝડપથી થાય છે. સ્થાનિક નાગરિકોમાં એવી દહેશત છે કે જો મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર અને ફોગિંગ ટીમ સમયસર સર્વે તેમજ દવાનો છંટકાવ કરીને એલર્ટ નહીં થાય, તો આવનારા દિવસોમાં ડેન્ગ્યુના કેસોમાં મોટો વિસ્ફોટ થઈ શકે છે.
આ સંજોગોમાં નાગરિકોએ પણ પોતાના ઘરની આસપાસ પાણી જમા ન થવા દેવું, કુલર, કુંડાં અને ખુલ્લા વાસણો નિયમિત સાફ કરવા તથા તાવના લક્ષણો જણાતાં તરત જ સરકારી કે ખાનગી હોસ્પિટલમાં ડોક્ટરની સલાહ લેવી અત્યંત જરૂરી બન્યું છે.
