Vadodara: જે વાયરસના ભયાનક ભૂતકાળને લોકો ભૂલવાનો પ્રયાસ કરી રહ્યા હતા, તે જ કોરોનાએ લાંબા વિરામ બાદ વડોદરામાં ફરીથી પગપેસારો કરતાં સમગ્ર વિસ્તારમાં ભારે સન્નાટો અને ચિંતા વ્યાપી ગયા છે.
આણંદના પેટલાદના એક દર્દીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા જ તાબડતોબ વડોદરાની એસ.એસ.જી. (SSG) હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ કેસ સામે આવતાની સાથે જ આરોગ્ય વિભાગ અને હોસ્પિટલ પ્રશાસનમાં ભારે હડકંપ મચી ગયો છે.
આ અંગે મળતી વિગતો અનુસાર, દર્દીને છેલ્લા કેટલાક દિવસોથી શ્વાસ લેવામાં તકલીફ અને તીવ્ર લક્ષણો જણાતા સ્થાનિક કક્ષાએ સારવાર અપાઈ હતી, પરંતુ સ્થિતિ નાજુક બનતાં આખરે વડોદરા લાવવાની નોબત આવી હતી. અહીં ટેસ્ટિંગ દરમિયાન કોરોનાની પુષ્ટિ થતાં જ તબીબો પણ ચોંકી ઊઠ્યા હતા. દર્દીને તાત્કાલિક વિશેષ આઈસોલેશન વોર્ડમાં ખસેડીને નિષ્ણાત તબીબોની ટીમ હેઠળ સતત ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે.
હાલ દર્દીની સ્થિતિ કાબૂ હેઠળ હોવાનું કહેવાય છે, પરંતુ કોરોનાની આ નવી એન્ટ્રીએ જૂના કાળજા કંપાવનારા દિવસોની યાદ અપાવી દીધી છે. આરોગ્ય વિભાગે પરિસ્થિતિની ગંભીરતા જોઈને દર્દીના સંપર્કમાં આવેલા લોકોનું તાકીદે કન્ટેક્ટ ટ્રેસિંગ શરૂ કરી દીધું છે.
આ કેસ એ વાતનો સ્પષ્ટ સંકેત છે કે, વાયરસ હજી સંપૂર્ણપણે નાબૂદ થયો નથી. જો સામાન્ય નાગરિકો દ્વારા માસ્ક, ભીડથી અંતર અને સ્વચ્છતા જેવા નિયમોનું પાલન કરવામાં બેદરકારી દાખવવામાં આવશે, તો પરિસ્થિતિ ફરી એકવાર હાથ બહાર જઈ શકે છે. આરોગ્ય વિભાગે લોકોને કોઈપણ લક્ષણ દેખાય તો તેને હળવાશથી ન લેવા આકરી ચેતવણી આપી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, વાંકાનેરના હનુમાન શેરી મેઈન રોડ પર રહેતી એક મહિલા તાજેતરમાં જ ખેડા જિલ્લાની મુસાફરી કરીને પરત આવી હતી. ખેડાથી પરત આવ્યા બાદ મહિલાને શારીરિક અસ્વસ્થતા અને તાવના લક્ષણો જણાતા તેઓ સારવાર અર્થે સ્થાનિક સરકારી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે દર્દીની પ્રાથમિક તપાસ દરમિયાન કોવિડ-19ના લક્ષણો જણાતા ત્વરિત કોરોના ટેસ્ટ કરાવ્યો હતો.
સૌરાષ્ટ્રમાં પણ ખેડાની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતી મહિલા કોવિડ પોઝિટિવ
ઉલ્લેખનીય છે કે, મોરબી જિલ્લાના વાંકાનેરની હનુમાન શેરીમાં રહેતી એક મહિલા ખેડાનો પ્રવાસ કરીને પરત ફરી હતી. જે બાદ કોરોનાના લક્ષણો જણાતા તબીબો દ્વારા કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો. જેનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર દ્વારા હનુમાનશેરીને ક્વોરન્ટાઈન કરી દેવામાં આવી હતી.
