Vadodara News: પાલિકા અને જિલ્લા પંચાયતના નવા સુકાનીઓ માટે 'સેન્સ' પ્રક્રિયા હાથ ધરાશે, કોર્પોરેટરો ગોડફાધરોના શરણે

વડોદરા મહાનગરપાલિકાના પાંચ મહત્વના પદાધિકારીઓ મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિના ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડક ની પસંદગી માટે આગામી 3 મે ના રોજ સેન્સ લેવામાં આવશે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Fri, 01 May 2026 12:03 PM (IST)Updated: Fri, 01 May 2026 12:03 PM (IST)
vadodara-news-bjp-to-conduct-sense-process-for-new-municipal-and-panchayat-leaders

Vadodara News: વડોદરા મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતમાં અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતા હવે નવા પદાધિકારીઓની વરણી માટેની કવાયત તેજ બની છે. ભાજપ સંગઠન દ્વારા આગામી પદાધિકારીઓના નામ નક્કી કરવા માટે નિરીક્ષકોની હાજરીમાં 'સેન્સ' લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ પ્રક્રિયાને પગલે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે.

પાલિકાના 5 મુખ્ય હોદ્દાઓ માટે 3 મેના રોજ સેન્સ લેવાશે

વડોદરા મહાનગરપાલિકાના પાંચ મહત્વના પદાધિકારીઓ મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિના ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડક ની પસંદગી માટે આગામી 3 મે ના રોજ સેન્સ લેવામાં આવશે. પ્રદેશ ભાજપ દ્વારા નિમવામાં આવેલા નિરીક્ષકો વડોદરા આવીને વિવિધ સ્તરે ચર્ચાઓ કરશે. નિરીક્ષકો દ્વારા શહેર પ્રમુખ અને મહામંત્રીઓ, સાંસદ અને તમામ ધારાસભ્યો, ચૂંટાયેલા કોર્પોરેટરો, વિવિધ વોર્ડના પ્રમુખો અને સંગઠનના હોદ્દેદારોના મત જાણવામાં આવશે.

જિલ્લા પંચાયત માટે 2 મેથી તૈયારી હાથ ધરાશે

માત્ર શહેર જ નહીં, પરંતુ જિલ્લામાં પણ સત્તાનું સુકાન કોણ સંભાળશે તેની મથામણ શરૂ થઈ ગઈ છે. જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ અને ચેરમેન પદ માટે 2 મે ના રોજ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જિલ્લાના રાજકારણમાં પણ નવા ચહેરાઓને સ્થાન મળે છે કે જૂના જોગીઓનું પલ્લું ભારે રહે છે તે જોવું રસપ્રદ રહેશે.

કોર્પોરેટરો ગોડફાધરોના શરણે પહોંચ્યા

પાલિકામાં મેયર કે ચેરમેન જેવા પ્રતિષ્ઠિત પદ મેળવવા માટે ચૂંટાયેલા કોર્પોરેટરોમાં ભારે ખેંચતાણ જોવા મળી રહી છે. પોતાની દાવેદારી મજબૂત કરવા માટે અનેક કોર્પોરેટરોએ અત્યારથી જ પોતપોતાના 'ગોડફાધરો' અને રાજકીય આકાઓના શરણે દોટ મૂકી છે. ગાંધીનગરથી લઈ દિલ્હી સુધી લોબિંગ શરૂ થઈ ચૂક્યું છે. જ્ઞાતિગત સમીકરણો અને સિનિયોરિટીને ધ્યાને રાખીને પક્ષ કોના પર પસંદગીનો કળશ ઢોળશે તેના પર સૌની મીટ મંડાયેલી છે. આગામી દિવસોમાં સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નિરીક્ષકો પોતાનો રિપોર્ટ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડને સોંપશે, ત્યારબાદ સત્તાવાર નામોની જાહેરાત કરવામાં આવશે.