Vadodara Municipal Elections 2026: વડોદરા ભાજપે આખરે પત્તા ખોલ્યા, 'નો-રિપીટ' થિયરી અપનાવતા જૂના જોગીઓ કપાયા, નવા ચહેરા ચમકયા

મેયર પિન્કી સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો. શીતલ મિસ્ત્રી, દંડક શૈલેષ પાટીલ અને નેતા મનોજ પટેલની ટિકિટ કાપી નાખવામાં આવી છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 10 Apr 2026 08:14 PM (IST)Updated: Fri, 10 Apr 2026 08:15 PM (IST)
bjp-announces-76-candidates-for-vadodara-municipal-elections-no-repeat-policy-shocks-leaders
HIGHLIGHTS
  • વડોદરા મનપાના 19 વોર્ડ માટે 76 ઉમેદવારોના નામ જાહેર

Vadodara Municipal Elections 2026: સ્થાનિક સ્વરાજની આગામી ચૂંટણીનો જંગ હવે બરાબરનો જામ્યો છે. લાંબી રાહ જોવડાવ્યા બાદ ભારતીય જનતા પાર્ટીએ વડોદરા મહાનગરપાલિકાના 19 વોર્ડ માટે 76 ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ભાજપે આ વખતે આક્રમક વલણ અપનાવીને 'નો-રિપીટ' થિયરી પર ભાર મૂક્યો છે, જેના કારણે અનેક દિગ્ગજોના પત્તા કપાયા છે.

મોટા માથાઓની બાદબાકી: પદાધિકારીઓ આઉટ

ભાજપની આ યાદીમાં સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે, ગત ટર્મના પાંચેય મુખ્ય પદાધિકારીઓને ટિકિટ આપવામાં આવી નથી. મેયર પિંકી સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો. શીતલ મિસ્ત્રી, દંડક શૈલેષ પાટીલ અને નેતા મનોજ પટેલની ટિકિટ કાપી નાખવામાં આવી છે.

આ ઉપરાંત પૂર્વ મેયર નિલેશ રાઠોડ અને પૂર્વ ડેપ્યુટી મેયર નંદા જોશી જેવા સંગઠનના મોટા નામોને પણ આ વખતે તક મળી નથી. 76માંથી માત્ર 15 ઉમેદવારોને જ પુનઃ મેદાનમાં ઉતારાયા છે.

વારસદારો અને દિગ્ગજોનું આગમન

પક્ષે આ વખતે કેટલાક દિગ્ગજ નેતાઓના સંતાનો પર ભરોસો મૂક્યો છે. પૂર્વ મંત્રી જીતુ સુખડીયાના પુત્ર હિરેન સુખડીયા ને વોર્ડ-17માંથી અને દિગ્ગજ નેતા દલસુખ પ્રજાપતિના પુત્ર ઉપેન્દ્ર પ્રજાપતિ ને ટિકિટ આપીને મેદાને ઉતાર્યા છે. આ તકે હીરેન સુખડીયાએ જણાવ્યું કે, રાજકારણ મારા લોહીમાં છે અને અમે વડોદરાના વિકાસ માટે તમામ 19 વોર્ડ પર વિજય મેળવીશું."

સિનિયરો પર ભરોસો: કોને મળી ત્રીજી-ચોથી તક?

કેટલાક વફાદાર અને મજબૂત પકડ ધરાવતા નેતાઓ પોતાની ટિકિટ બચાવવામાં સફળ રહ્યા છે. જેમાં અજિત દધીચિ, તેજલ વ્યાસ અને રીટા સિંગનો સમાવેશ થાય છે. વોર્ડ-10માંથી સતત ચોથી વખત ટિકિટ મેળવનાર નીતિન દોંગાએ જણાવ્યું કે, પક્ષે તેમના કામની કદર કરી છે અને તેઓ નવા ઉમેદવારોને સાથે રાખીને વિકાસના કામો આગળ ધપાવશે.

વિવાદો અને બળવાના એંધાણ

યાદી જાહેર થતાની સાથે જ વિવાદો પણ શરૂ થયા છે. વોર્ડ-16ના મહિલા ઉમેદવાર જાગૃતિ ધવલભાઈ પટેલ બાબતે ચર્ચા છે કે, તેઓ મકવાણા હોવા છતાં 'પટેલ' સરનેમ સાથે સામાન્ય બેઠક પર ટિકિટ મેળવી ગયા છે.

હેમિશા ઠક્કર અને જાગૃતિ કાકા જેવા નામોની બાદબાકીથી સંગઠનમાં અંદરોઅંદર ગણગણાટ શરૂ થયો છે. અનેક દાવેદારોની ટિકિટ કપાતા શહેરમાં 'બળવા' જેવી સ્થિતિ સર્જાય તેવી પણ શક્યતાઓ છે. હાલ તો ટિકિટ મળતા ઉમેદવારોમાં હર્ષની લાગણી છે, પરંતુ કપાયેલા ઉમેદવારોની નારાજગી ભાજપને આગામી દિવસોમાં કેવી નડશે તે જોવું રહ્યું.