Vadodara News: હાલ ચોમાસાની સીઝન ચાલુ છે. ત્યારે ઉપરવાસમાં વરસાદ વરસતા અનેક ડેમોમાં પાણીની આવક થતા ડેમની જળસપાટીમાં વધારો થઇ રહ્યો છે. જે અંતર્ગત નર્મદા ડેમ અને કરજણ ડેમમાં ઉપરવાસમાં થયેલા વરસાદના કારણે ડેમમાં પાણીની આવક થતા જળસપાટીમાં ધરખમ વધારો થયો છે. નર્મદાડેમના દરવાજા બંધ રાખવામાં આવ્યા છે. જયારે કરજણ ડેમના 3 ગેટ ખોલી પાણી છોડવામાં આવી રહ્યું છે.
નર્મદા ડેમની જળ સપાટીમાં ધરખમ વધારો થયો છે. સીઝનમાં પહેલી વાર નર્મદા ડેમની જળસપાટી 124 મીટરને પાર થઇ છે. હાલ થઇ રહેલ વરસાદના પગલે નર્મદા ડેમમાં 76 હજાર ક્યુસેક પાણીની આવક થતા ડેમની જળ સપાટીમાં વધારો નોંધાયો છે. કેચમેન્ટ વિસ્તારમાં વરસાદ પડવાથી પાણીની આવક વધી છે.
આ પણ વાંચો
તો બીજી તરફ CHPH, RBPH ટર્બાઇન ચાલુ હોવાથી રોજનું કરોડોનું વીજ ઉત્પાદન થઈ રહ્યું છે. જેમાં RBPHમાંથી 29,170 ક્યુસેક પાણી નર્મદા નદીમાં જાવક થયું છે. જયારે CHPH માંથી 10,205 ક્યુસેક પાણીની જાવક થઇ છે. અને આમ નર્મદા ડેમમાંથી કુલ 39,375 ક્યુસેક પાણીની જાવક થઇ છે. અને હાલ નર્મદા ડેમમાં 1938.04 MCM લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો યથાવત છે. નર્મદા ડેમની જળસપાટી ભયજનક સપાટીથી નીચે હોવાથી હાલ ગેટ બંધ રાખવામાં આવ્યા છે. જેના કારણે નર્મદા નદીમાં પુર નિયંત્રણમાં છે.
તો બીજી તરફ આવી જ રીતે કરજણ ડેમની સપાટીમાં પણ વધારો નોંધાયો છે. કરજણ ડેમના ઉપરવાસમાં વરસાદ થતા ડેમમાં પાણીની આવક વધી છે. કરજણ ડેમમાં 14915 ક્યુસેક પાણીની આવક થતા હવે ડેમની જળ સપાટી 107.93 મીટર નોંધાઇ છે. જોકે, કરજણ ડેમના 3 ગેટ 1.6 મીટર ખુલ્લા રાખવામાં આવ્યા છે.ડેમમાં પાણીના રૂટ લેવલને મેન્ટેન કરવા માટે કરજણ ડેમના 3 ગેટ ખુલ્લા રાખી પાણી છોડાઈ રહ્યું છે.
બીજી તરફ અહીંયા પણ હાઇડ્રો પાવર ચાલુ થતા વીજ ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં હાઇડ્રો પાવરમાંથી 429 ક્યુસેક પાણીની જાવક થઇ છે. જયારે કરજણ ડેમના ગેટમાંથી પણ 18606 ક્યુસેક પાણીની જાવક થઇ છે. આમ નદીમાં પાણીની ટોટલ જાવક 19035 ક્યુસેક નોંધાઈ છે. હાલ કરજણ ડેમ 64.74 ટકાએ પાણીથી ભરેલો છે. તો બીજી તરફ ડેમમાંથી પાણી છોડાતા નદી કાંઠાના ગામોને સાવધ રહેવા સૂચના આપવામાં આવી છે. સાથે જ કરજણ ઓવરા સહિત નદી કાંઠે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તેમજ નદી કિનારે ન જવા સૂચના આપવામાં આવી છે.
