Narmada Karjan Dam Water Level Update: નર્મદા જિલ્લા માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. જીતનગર પાસે આવેલો મહત્વનો કરજણ ડેમ તેની સંપૂર્ણ સપાટીથી હવે માત્ર 1.43 મીટર જ દૂર રહ્યો છે. ચાલુ સિઝનમાં ડેમ વિસ્તારમાં સાર્વત્રિક વરસાદ નોંધાતા ડેમમાં જળ સંગ્રહ 92.29 ટકા પાર કરી ગયો છે. ડેમમાં જળ સ્તર વધારે હોવાથી તંત્ર દ્વારા હાઈ-એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બીજી બાજુ ડેમમાં સારી જળ રાશિની આવક થવાથી ખેડૂતોમા ખુશીની લહેર જોવા મળી છે.
51 ઇંચ વરસાદ સાથે ડેમ છલોછલ
ચાલુ સીઝનમાં કરજણ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં આશરે 1295 મીમી જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે. જેના લીધે ડેમના ઉપરવાસમાંથી હાલ 373 ક્યુસેક જળ રાશિની આવક થઈ રહી હોવાનું સામે આવ્યું છે. કરજણ ડેમની હાલની મહત્તમ જળ સપાટી 115.25 મીટર છે. જ્યારે ઉપરવાસમાં થયેલા સારા એવા વરસાદને પગલે ડેમમાં જળ સ્ત્રોત 113.82 મીટર સુધી પહોચ્યો છે. એટલે ડેમ પોતાની પૂર્ણ સપાટીથી 1.43 મીટર દૂર છે.
કેમ છોડાઈ રહ્યું છે પાણી
ડેમમાંથી હાલ પાણીની આવક 373 ક્યુસેકની આવક નોંધાઈ રહી છે. જેથી ડેમનું રુલ લેવલ અને સુરક્ષા જાળવી રાખવા માટે 373 ક્યુસેક પાણીનો જથ્થો વીજ ઉત્પાદન અને નદીના પટમાં છોડવામાં આવી રહ્યો છે. જ્યારે કેનાલમાં પાણીનો જથ્થો છોડવામાં નથી આવ્યું. કેનાલમાં પાણીનો આઉટફઅલો 0 ક્યુસેક છે. નોંધનીય બાબત એ છે કે, કરજણ ડેમ સિંચાઇ માટે પાણી આપવાના ઉદેશ્યથી નિર્મિત કરાયો છે.
સિંચાઈની ચિંતા દૂર થશે!
ડેમના ઉપરવાસમાંથી મોટી માત્રામાં પાણીની આવક થતા મોટી માત્રામાં ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. જેથી ડેમનું જળ સ્તર નિયંત્રણમાં રહે. હાલ કરજણ ડેમમાં જળ સંગ્રહ 92.29 ટકા નોંધાતા નર્મદાવાસીઓને સિંચાઈ અને પીવાના પાણીની ચિંતા દૂર થઈ છે. પરંતુ ડેમમાંથી પાણી છોડાવવામાં આવતાં નદી કાંઠાના ગામોને સાવધ રહેવા જણાવાયું છે.
