Vadodara News: વડોદરામાં વોટ્સએપ ગ્રૃપ થકી કોમી તંગદિલી ફેલાવનાર આર્મી ઓફ મહાદી ગ્રુપની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ, વધુ 3 સભ્યો ઝડપાયા

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Thu, 31 Aug 2023 04:27 PM (IST)Updated: Thu, 31 Aug 2023 04:27 PM (IST)
vadodara-news-army-of-mahdi-group-probe-handed-over-to-crime-branch-3-more-arrested

Vadodara News: હિન્દુ યુવકો સાથે મિત્રતા રાખનાર મુસ્લિમ યુવતીઓને અને તેમના પરિવારને તેમજ હિંદુ યુવકોને ટાર્ગેટ બનાવતી આર્મી ઓફ મહાદી ગ્રુપના ત્રણ સભ્યોને અગાઉ વડોદરા શહેરની ગોત્રી પોલીસ મથકની ટીમે ઝડપી પાડ્યા હતા. આ ગ્રુપના વધુ ત્રણની લોકોની ધરપકડ કરવામાં આવી છે અને ત્રણેયના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. આ સમગ્ર બનાવ મામલે સાત શખ્સો વિરુદ્ધ અટકાયતી પગલાં લેવાયા છે. આ હવે સમગ્ર મામલાની તપાસ વડોદરા ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. જે સમગ્ર મામલે આજે વડોદરા શહેર પોલીસ કમિશનરે પ્રેસ કોન્ફરન્સમાં કરી કેટલાક અત્યંત ચોંકાવનારા ખુલાસા કર્યા હતા.

અસામાજિક તત્વો દ્વારા ચોક્કસ વોટ્સએપ ગ્રુપ અથવા તો સામાજિક ગ્રુપ બનાવી કોમી તંગદિલી ફેલાવવાનો અને સમાજને બે ભાગમાં વેચવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાની જાણકારી વડોદરા શહેર ગોત્રી પોલીસ મથકની ટીમને મળતા ગોત્રી પોલીસે મોબાઈલના whatsapp ગ્રુપ પર ચાલતા આર્મી ઓફ મહાદી એ.એસ ગ્રુપના ત્રણ સભ્યોને ઝડપી પાડ્યા હતા. ત્રણે યુવકોની પૂછપરછમાં આર્મી ઓફ મહાદી એ.એસ ગ્રુપના સભ્યો મુસ્લિમ યુવતી સાથે મિત્રતા રાખનાર હિન્દુ યુવકોને ટાર્ગેટ કરતા હતા જેમાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે, તેમજ મુસ્લિમ યુવતી અને તેના પરિવારને પણ ટાર્ગેટ કરાતો હતો.

સમગ્ર મામલે વડોદરા શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલૌતે જણાવ્યું હતું કે, આરોપીઓની પુછપરછ કરવામાં આવતા ગંભીર માહિતી સામે આવી હતી. હુસૈની આર્મીના નામથી એક ગ્રુપ બનાવાયું હતું. જેમાં 500 જેટલા મેમ્બર્સ હતા. કોઇ વીડિયો વાયરલ થયા બાદ એ ગ્રૃપને ડિલીટ કરી નાંખ્યું હતું અને બીજુ આર્મી ઓફ મહેંદીના નામે ગ્રુપ બનાવ્યું હતું. પછી જ્યારે એક વીડિયો વાયરલ થયો અને પોલીસ સુધી પહોંચ્યો ત્યારે ગ્રુપ બદલીને લશ્કરે આદમ નામથી ગ્રુપ બનાવવામાં આવ્યું હતું. અને આ ગ્રુપમાં 256 મેમ્બર હતા.

મોબાઇલના માધ્યમથી તેમના ગ્રુપના લોકોને શોધવાની શરૂઆત કરવામાં આવી હતી.73 જેટલા મેમ્બર્સની અત્યારસુધીમાં પુછપરછ કરાઇ છે. 8 લોકોની ધરપકડ કરાઈ છે. કોમી વાતાવરણ ડહોળાય તેવા પ્રયાસો આ લોકો કરતા હતા. જો કોઇ ચોક્કસ ધર્મની છોકરી અન્ય ધર્મના છોકરા સાથે જોવા મળે તો તેના પર વોચ રખાતી હતી. કયા વાહનમાં ફરે છે. ક્યાં જાય છે વગેરે સહિતની માહિતી એકઠી કરવા વોચ રખાતી હતી. માહિતી એકત્ર કરીને એકબીજા સાથે શેર કરાતી હતી અને તેમની સાથે મારપીટ કરવાની અને તેના વીડિયો બનાવવામાં આવતા હતા. ત્યારબાદ છોકરીના માતા-પિતાને બ્લેકમેઇલ કરાતા. છોકરીની સગાઈ તોડાવી નાંખવાની ધમકીઓ આપીને પૈસા માગવામાં આવતા હોવાનું પણ ધ્યાને આવ્યું હતું.