ગુજરાતના 126 તાલુકામાં મેઘાવી માહોલઃ ભારે વરસાદથી વડોદરાના રસ્તાઓ પર નદીઓ વહી; ઠેર-ઠેર ટ્રાફિકજામ

આજે રાજ્યના 41 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ સિવાય 22 તાલુકામાં 2 ઈંચથી વધુ અને 11 તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 05 Jul 2025 05:40 PM (IST)Updated: Sat, 05 Jul 2025 05:40 PM (IST)
vadodara-news-126-taluka-get-rain-across-the-state-on-5th-july-till-4-pm
HIGHLIGHTS
  • આજે દ્વારકામાં સૌથી વધુ 4.4 ઈંચ ધોધમાર વરસાદ
  • સરકારી આંકડામાં વડોદરામાં દોઢ ઈંચ વરસાદની નોંધ

Gujarat Rain Data | Vadodara: હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને પગલે અલગ-અલગ જિલ્લાઓમાં એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે આજે વહેલી સવારથી અત્યાર સુધીમાં રાજ્યના 126 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જે પૈકી દ્વારકામાં સૌથી વધુ 113 મિ.મી. (4.4 ઈંચ) વરસાદ ખાબક્યો છે.

જો વડોદરાની વાત કરીએ તો, વહેલી સવારથી અસહ્ય બફારા બાદ બપોરે 12 વાગ્યાની આસપાસ વડોદરામાં મેઘાવી માહોલ છવાયો હતો. સરકારી આંકડા અનુસાર, વડોદરામાં છેલ્લા 4 કલાકમાં 38 મિ.મી (1.5 ઈંચ) વરસાદ નોંધાયો છે. જો કે ધોધમાર વરસાદના પગલે વડોદરા શહેરના સયાજીગંજ, ફતેગંજ, નિઝામપુરા, રાવપુરા, અલકાપુરી અને ગોત્રી સહિતના વિસ્તારોમાં રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.

પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકો અટવાતા ઠેર-ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. અનેક ઠેકાણે વાહનો પાણીમાં બંધ પડી ગયા હતા. જ્યારે નીચાણવાળા વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા.

ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, આજે રાજ્યના 41 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ સિવાય 22 તાલુકામાં 2 ઈંચથી વધુ અને 11 તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.