Vadodara News: સંસ્કારી અને સાંસ્કૃતિક નગરી વડોદરાના પારંપરિક ગરબા ઈતિહાસમાં વર્ષ 1973-74 દરમિયાન પ્રતાપગંજ ખાતે પારૂલબેન પટેલ અને વિક્રમભાઈ પાટીલના સંગીત સથવારે સૌપ્રથમ વાર ગરબાની શરૂઆત કરવામાં આવી હતી. ગરબાના ઢાળ, શબ્દ, તાલ અને ઠેકાને ખાસ લયબદ્ધ કરીને આ આયોજન કરાયું હતું. ત્યાર બાદ ૧૯૭૫થી વિક્રમભાઈ પાટીલ દ્વારા સ્વતંત્ર વૃંદની સ્થાપના કરીને ગુજરાતના ભાતીગળ લોકસંગીતની જાળવણી કરવામાં આવી હતી.
ગરબામાં ઢોલક અને તબલા, ખાસ કરીને ટીપના તબલાનો પહેલી વખત ઉપયોગ કરવાનો શ્રેય વિક્રમભાઈ પાટીલને જાય છે. ગરબા રમનારાઓના પગના સ્ટેપ્સ આપોઆપ ઉપડે તે રીતે વાદ્ય નિયોજન કરીને તેઓ એકલા જ સતત ત્રણ કલાક સુધી ઢોલ, દોહા અને છંદ વગાડતા હતા. વિશ્વવિખ્યાત સિતારવાદક પંડિત રવિશંકરના વાદ્યવૃંદમાં વર્ષો સુધી સાથ આપનાર અને 'મહીસાગરની આરે' જેવી ફિલ્મોમાં સંગીત આપનાર વિક્રમભાઈ પાટીલે વડોદરામાં અનેક કલાકારો તૈયાર કર્યા હતા. તેમણે શહેરમાં હાઈ-ટેક સાઉન્ડ સિસ્ટમની શરૂઆત કરી કલાકારો માટે ઉત્કૃષ્ટ આર્થિક પેકેજ સુનિશ્ચિત કર્યું હતું. તેમણે "આવો આવો અંબિકા", "રૂડા ઢોલીડા ના ઢોલ", "મીઠી મીઠી તે સખી વ્રજની વાતલડી" અને "ઓલ્યા કાન્હારે" જેવા ગરબા કમ્પોઝ કર્યા હતા.
વર્ષ 2012માં વિક્રમભાઈ પાટીલે માતાજી અને ભગવાન કૃષ્ણના 12 ગીતોની સ્વર રચના કરી હતી, પરંતુ તેમના સ્વર્ગવાસને કારણે આ કાર્ય પૂર્ણ થઈ શક્યું નહોતું. હવે આ 12 અલૌકિક ગીતોને પુનઃ જીવંત કરીને તેમના ભાઈ હરીશ પાટીલ અને રાજુ પાટીલ દ્વારા મૂળભૂત રૂપે રજૂ કરવામાં આવી રહ્યા છે. આ રેકોર્ડિંગમાં તબલા, ઢોલ અને ઢોલક સહિતના મૂળ વાજીંત્રો વિક્રમ પાટીલે પોતે જ વગાડેલા છે.
આ ગરબાનું લોન્ચિંગ તારીખ 8 ઓક્ટોબર 2026, ગુરુવારના રોજ લાલબાગ સ્થિત "શ્રીમંદિર" ખાતેથી ફેસબુક અને યુટ્યુબ પર કરવામાં આવશે. દેશના જાણીતા ગાયકો વિરાજ, ધનશ્રી, આરોહી, જયરાજ અને રાજુ પાટીલ દ્વારા સ્વરબદ્ધ કરાયેલા આ ગરબાનું પુનઃ રેકોર્ડિંગ "દેવયાની મ્યુઝિક સ્ટુડિયો" ખાતે જતીન પટેલ અને પ્રણવ મહંત દ્વારા કરવામાં આવ્યું છે. સમગ્ર ભારતવર્ષમાં નવા ગાયકો તથા ગાયક વૃંદ સુધી આપણો વિરાસતી સાંસ્કૃતિક વારસો પહોંચે અને લોકભોગ્ય બને તે હેતુથી આ પ્રસારણ કરવામાં આવી રહ્યું છે.
