Vadodara News: સંસ્કારી નગરી વડોદરામાં યુવાધનને નશાના રવાડે ચઢાવવાનું ષડયંત્ર ફરી એકવાર સામે આવ્યું છે. શહેરના સૌથી વ્યસ્ત ગણાતા એવા સયાજી હોસ્પિટલ વિસ્તાર પાસેથી પોલીસે બાતમીના આધારે એક થાર ગાડીને અટકાવીને તેમાંથી આશરે 11 ગ્રામ જેટલું પ્રતિબંધિત મેફેડ્રોન (MD) ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. આ ઘટનાને પગલે શહેરમાં ડ્રગ્સ માફિયાઓનું નેટવર્ક ફરી સક્રિય થયું હોવાની આશંકાઓ પ્રબળ બની છે.
કારમાંથી 11 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું
મળતી પ્રાથમિક વિગતો અનુસાર, વડોદરા લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે એક શખ્સ લક્ઝુરિયસ થાર ગાડીમાં નશીલા પદાર્થની હેરાફેરી કરી રહ્યો છે. આ બાતમીના આધારે LCB અને પોલીસની સંયુક્ત ટીમે SSG હોસ્પિટલની આસપાસના વિસ્તારમાં વોચ ગોઠવી હતી. શંકાસ્પદ થાર ગાડી પસાર થતા જ પોલીસે તેને ઘેરી લઈ તલાશી લીધી હતી. તપાસ દરમિયાન ગાડીમાંથી અંદાજે 11 ગ્રામ જેટલું MD ડ્રગ્સ મળી આવ્યું હતું. પોલીસે તાત્કાલિક અસરથી ડ્રગ્સનો જથ્થો અને ગુનામાં વપરાયેલી થાર ગાડી કબજે કરી આરોપીની ધરપકડ કરી છે.
ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવ્યું તે અંગે તપાસ શરૂ
પોલીસ દ્વારા આ સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને, ઝડપાયેલો આરોપી પોતે પણ નશાની હાલતમાં હતો કે કેમ, તેની ખાતરી કરવા માટે તેના મેડિકલ ટેસ્ટ સહિતની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, આ MD ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, શહેરમાં કોને સપ્લાય કરવાનો હતો અને આ રેકેટમાં અન્ય કયા મોટા માથાઓ સંડોવાયેલા છે, તે સહિતના તમામ પાસાઓ પર પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
શહેરના હાર્દ સમાન અને અત્યંત સંવેદનશીલ એવા હોસ્પિટલ વિસ્તારમાંથી આ રીતે ડ્રગ્સ મળી આવતા ચકચાર મચી ગઈ છે. પોલીસની આ સફળ કામગીરીથી ડ્રગ્સ પેડલરોમાં ફફડાટ વ્યાપી ગયો છે, પરંતુ સાથે જ શહેરમાં ડ્રગ્સના વધતા દૂષણને ડામવા માટે હજુ વધુ કડક કાર્યવાહીની માંગ ઉઠી છે.
