Vadodara: વડોદરા જિલ્લા અને શહેરમાં ફરી એકવાર માર્ગ અકસ્માતોની સંખ્યામાં ચિંતાજનક વધારો નોંધાયો છે. જુદા જુદા 6 વિસ્તારોમાં બનેલા અકસ્માતોમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે, જ્યારે પાંચ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા છે. કરજણથી માંડીને વીઆઈપી રોડ, દુમાડ, આજવા અને ફતેગંજ જેવા વિસ્તારોમાં લાપરવાહી, હિટ એન્ડ રન અને વાહન પરનો નિયંત્રણ ગુમાવવાની ઘટનાઓ મુખ્યત્વે સામે આવી છે.
કરજણ: બંધ ટેમ્પો રિપેર કરતા ડ્રાઈવરને કન્ટેનરે કચડી નાંખતા ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત
વડોદરામાં માર્ગ અકસ્માતનો સૌથી ગંભીર બનાવ કરજણના માંગલેજ ચોકડી નજીક નેશનલ હાઈવે નંબર 49 પર બન્યો હતો. મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ લક્ષ્મીનગરમાં રહેતા ડ્રાઈવર અફઝલ નકાલે કરજણ પોલીસને આપેલી માહિતી મુજબ, જહાંગીરાબાદ ગામના 34 વર્ષીય ગુલામ તાજ નૂર મહંમદ તેમનો ટેમ્પો લઈને ભરૂચ તરફ જઈ રહ્યા હતા.
આ પણ વાંચો
ટેમ્પો અચાનક બંધ પડી જતાં ગુલામ તાજે પાછળથી આવતા વાહનોને સૂચના આપવા માટે પથ્થર અને ઝાડની ડાળીઓ મૂકી રિપેરિંગની કામગીરી શરૂ કરી હતી.
આ દરમિયાન પાછળથી ઝડપે આવી રહેલા એક કન્ટેનરે બંધ પડેલા ટેમ્પોને જોરદાર ટક્કર મારી. ટક્કરથી ગુલામ તાજ રોડ પર પટકાયા હતા અને કન્ટેનરના વ્હીલ તેમની પર ફરી વળતાં તેમનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. કરજણ પોલીસે કન્ટેનરના ડ્રાઈવર વિરૂદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
શહેરી વિસ્તારમાં અન્ય પાંચ અકસ્માતની ઘટનાઓ નોંધાઈ હતી, જેમાં પાંચ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા.
ન્યુ વીઆઈપી રોડ: ખોડિયારનગર ચાર રસ્તા નજીક બે બાઈક સામસામે અથડાતા આશરે 25 વર્ષના એક અજાણ્યા બાઈક ચાલકને ઈજા પહોંચી હતી.
દુમાડ ચોકડી-છાણી માર્ગ: રાત્રિના સમયે લતાબેન સલાટનું એક્ટિવા સ્લીપ થતાં તેમને ઈજા પહોંચી હતી.
આજવા રોડ: શિવલક્ષ્મી સોસાયટીના 22 વર્ષના ગૌરવ ભામડે સયાજીપુરા રાત્રિ બજાર નજીક ચાલીને જઈ રહ્યા હતા, ત્યારે બાઈક ચાલકે ટક્કર મારી તેમને ઈજાગ્રસ્ત કર્યા હતા.
સમા-સાવલી રોડ બ્રિજ: એક્ટિવા પર પસાર થઈ રહેલા સંજય રાઠોડને અજાણ્યા વાહને ટક્કર મારી ઈજા પહોંચાડી હતી અને ફરાર થઈ ગયું હતું (હિટ એન્ડ રન).
ફતેગંજ મેઇન રોડ: 54 વર્ષના પરસોત્તમ છબતાણી મંગલ પાંડે રોડ પર અકસ્માતનો ભોગ બન્યા હતા.
