વડોદરા નવરાત્રી હત્યા કેસ: 30 લાખની સોપારી અને બે મકાનની લાલચે નિલેશ વણઝારાની હત્યા કરનાર ચારેય ઝડપાયા

આ જૂની અદાવતનો બદલો લેવા માટે વિક્રમ ગોરધનભાઈ વણઝારાએ નિલેશની હત્યાનું ખતરનાક કાવતરું ઘડ્યું હતું.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Wed, 21 Oct 2026 02:42 PM (IST)Updated: Wed, 21 Oct 2026 02:42 PM (IST)
vadodara-navratri-murder-case-four-arrested-in-nilesh-vanzara-killing

Vadodara News: વડોદરા શહેરમાં નવરાત્રીના પાવન અવસર પર ગરબાના રંગમાં ભંગાણ પાડતી એક અત્યંત ચકચારી અને લોહિયાળ ઘટના સામે આવી હતી. સોમા તળાવ ચાર રસ્તા પાસે આવેલા સ્વાગત પાર્ટી પ્લોટમાં વણઝારા સમાજના ગરબાના આયોજન દરમિયાન જૂની અદાવતનું વેર વાળવા માટે નિલેશ વણઝારાની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. આ સનસનાટીભર્યા હત્યા કેસમાં કપૂરાઈ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરીને માત્ર ટૂંકા સમયમાં જ સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ કરી દીધો છે અને ચારેય આરોપીઓને ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે.

જૂની અદાવત અને 30 લાખની સોપારીનું મોટું ષડયંત્ર

પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો અનુસાર, અગાઉ મૃતક નિલેશના ભાઈ અજયે વિક્રમના ભાઈની હત્યા કરી હતી, જેના કારણે અજય હાલ વડોદરા સેન્ટ્રલ જેલમાં સજા ભોગવી રહ્યો છે. આ જૂની અદાવતનો બદલો લેવા માટે વિક્રમ ગોરધનભાઈ વણઝારાએ નિલેશની હત્યાનું ખતરનાક કાવતરું ઘડ્યું હતું. વિક્રમે આ ગુનાને અંજામ આપવા માટે પૂનમ અમરસિંહ વણઝારાને 30 લાખ રૂપિયા અને બે મકાન આપવાની લાલચ આપીને સોપારી આપી હતી. હત્યાના આ પ્લાનને પાર પાડવા માટે આરોપીઓએ જામ્બુવા બ્રિજ પાસેની હોટલમાંથી ખાસ બે ચપ્પાં ખરીદયા હતાં અને નવરાત્રી દરમિયાન નિલેશની હિલચાલ પર સતત નજર રાખીને રેકી કરી હતી.

ગરબાના માહોલ વચ્ચે લોહિયાળ ખેલ ખેલાયો હતો

ઘડાયેલા પ્લાન મુજબ, 18 ઓક્ટોબર 2026ના રોજ વિજયકુમાર ઉર્ફે વિજુને સ્વાગત પાર્ટી પ્લોટ ખાતે નિલેશ પર વોચ રાખવા માટે બેસાડવામાં આવ્યો હતો. નિલેશ ગરબા રમવા પહોંચ્યાની જાણ થતાં જ વિક્રમે પૂનમને નંબર પ્લેટ વગરની બાઈક અને ચપ્પું પૂરું પાડ્યું હતું. પાર્ટી પ્લોટ પહોંચીને વિજયે નિલેશની ઓળખ કરાવતાં જ પૂનમે તેના પર તીક્ષ્ણ ચપ્પાથી ત્રણથી ચાર ઘા ઝીંકી દીધા હતા અને બાદમાં બાઈક મૂકી રિક્ષામાં બેસી નાસી છૂટ્યો હતો. આ ભાગદોડમાં સતીશ ઉર્ફે ગુલ્લોએ રિક્ષા મારફતે તેને ભાગવામાં મદદ કરી હોવાનું પણ પોલીસ તપાસમાં સ્પષ્ટ થયું છે. ગરબાના પ્લોટ બહાર બનેલી આ ઘટનાથી ભારે નાસભાગ અને સનસનાટી મચી ગઈ હતી, અને સારવાર દરમિયાન નિલેશનું મોત નીપજ્યું હતું.

પોલીસે 100થી વધુ સીસીટીવી ફૂટેજ ખંગાળ્યા

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કપૂરાઈ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ, હ્યુમન સોર્સિસ અને 100થી વધુ સીસીટીવી ફૂટેજના આધારે કડક તપાસ હાથ ધરી હતી. પરિણામે, પોલીસે ફરાર મુખ્ય આરોપી પૂનમને મહિસાગર જિલ્લાના લુણાવાડા વિસ્તારમાંથી ઝડપી લીધો હતો. તેની પૂછપરછના આધારે અન્ય આરોપીઓ વિક્રમ, સતીશ અને વિજયને પણ સકંજામાં લઈ લેવામાં આવ્યા છે તેમજ હત્યામાં વપરાયેલું ચપ્પું પણ પોલીસે કબજે કર્યું છે. આમ, વડોદરા પોલીસે સતર્કતા દાખવી જૂની અદાવતના આ મર્ડર મિસ્ટ્રીનો ભેદ ઉકેલી નાખીને ચારેય આરોપીઓની ધરપકડ કરી કાયદેસરના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.