Vadodara Musical Instrument Market: નવરાત્રિ એટલે શક્તિની આરાધના અને ગરબાના તાલ પર ઝૂમતો ઉત્સવ. ગરબે ઘૂમતા ખેલૈયાઓના પગ જે ધબકારા પર થિરકે છે, તે વાજિંત્રોમાંથી નીકળતા સૂર અને તાલ છે. ઢોલ, તબલા, ડ્રમ્સ, પખાવજ અને સિન્થેસાઇઝરના સૂરો વિના નવરાત્રીનો માહોલ અધૂરો ગણાય. જ્યારે તબલાની થાપ અને ઢોલ પર દાંડિયા પડે છે, ત્યારે આખું ગ્રાઉન્ડ અદભુત ઉર્જાથી ભરાઈ જાય છે.
ગરબાની રમઝટ શરૂ થાય તે પહેલાં સૌથી મોટી કસોટી વાદ્ય કલાકારો અને તેને તૈયાર કરતા કારીગરોની હોય છે. તબલા, ઢોલક, નાલ અને ઢોલ જેવા પરંપરાગત વાજિંત્રોનેનવરાત્રી માટે તૈયાર કરવાનું કામ મહિના અગાઉથી શરૂ થઈ જાય છે. તબલાની પૂરી બાંધવી, નવી શાહી લગાવવી અને તેના સૂરને ચોક્કસ પિચ પર બાંધવો એ ખૂબ બારીકાઈ અને કૌશલ્યનું કામ છે. ગરબાના નવે-નવ દિવસ સુધી વાજિંત્રો સળંગ વાગવાના હોવાથી કલાકારો પોતાના સાધનોને પરફેક્ટ કન્ડિશનમાં લાવવા માટે કારીગરોના વર્કશોપમાં ભારે ધસારો કરી રહ્યા છે.
આ પણ વાંચો

આજના આધુનિક સમયમાં નવરાત્રીના સંગીતમાં પરંપરા અને આધુનિકતાનો સુભગ સમન્વય જોવા મળે છે. ઢોલ અને તબલાની સાથે હવે ઓક્ટોપેડ, સિન્થેસાઈઝર અને વિવિધ પર્કશન સાધનોનો ઉપયોગ પણ વધ્યો છે. તેમ છતાં, ગરબાની મૂળ ઓળખ તો તબલાની ‘ધા ધીન ધીન ધા’ અને ઢોલના ઠેકા સાથે જ જોડાયેલી છે.
માતાજીની આરતી વખતે ધીમી ગતિએ ચાલતા તબલાના તાલથી લઈને મોડી રાત્રે દોઢિયા અને હીંચ વખતે તેજ થતી લય સમગ્ર માહોલને ભક્તિમય અને ઉત્સાહવર્ધક બનાવી દે છે. નવ દિવસ સુધી સ્ટેજ પાછળ રહીને ખેલૈયાઓને નોન-સ્ટોપ ઝૂમાવનારા આ વાજિંત્ર વાદકો નવરાત્રીના અસલી પ્રાણ છે. તેમની આંગળીઓની કરામત અને તાલના સમન્વયથી જ ખેલૈયાઓના પગ થાક્યા વગર આખી રાત ગરબે ઘૂમે છે.

ગરબા એ માત્ર નૃત્ય નથી, પરંતુ સૂર અને તાલનો એક દિવ્ય સંગમ છે. સ્ટેજ પર ઝગમગતી લાઈટો વચ્ચે કલાકારો જ્યારે તબલા અને ઢોલ પર થાપ મારે છે. ત્યારે માત્ર વાજિંત્રો જ નથી વાગતા, પણ લાખો ખેલૈયાઓના દિલના ધબકારા પણ તેની સાથે જોડાઈ જાય છે.
