Vadodara News: વડોદરા મનપાએ સંવેદનશીલ કુંભારવાડા-ફતેપુરામાં દબાણો દૂર કર્યા, દબાણકારોએ પાલિકાની ટીમ સાથે માથાકૂટ કરી

પોલીસ બંદોબસ્ત મળતા પાલિકાની દબાણ શાખાની ટીમ વડોદરાના સંવેદનશીલ કુંભારવાડા ફતેપુરા વિસ્તારમાં દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરી હતી.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Wed, 20 Nov 2024 02:53 PM (IST)Updated: Wed, 20 Nov 2024 02:53 PM (IST)
vadodara-municipal-corporation-removes-encroachment-in-sensitive-kumbharwada-fatepura
HIGHLIGHTS
  • પોલીસની હાજરીમાં દબાણકારે ટીમને જોઇ લેવાની ધમકી આપી
  • લારી છોડાવી લઇ જવાનો પ્રયાસ કરી ગેરવર્તણૂક પણ કરી

Vadodara News: વડોદરના નાગરવાડામાં રહેતા ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની અસામાજીક તત્વો બાબર પઠાણ દ્વારા સયાજી હોસ્પિટલમાં હત્યા કરવામાં આવી છે. હત્યાની ઘટના બાદ વડોદરા મહાનગર પાલિકા તંત્ર સફાળુ જાગ્યું છે. પાલિકા તંત્ર દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી દબાણો હટાવવાની કામગીરી બંધ કરાઇ હતી. જોકે હવે ફરીથી શરૂ કરાઇ છે. બે દિવસથી શહેરમાં દબાણો દૂર કરાઇ રહ્યા છે. ફતેપુરાથી સંગમ ચાર રસ્તા સુધીના વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મુખ્ય માર્ગોના દબાણો દૂર કરવામાં આવ્યા હતા.

આજે બીજા દિવસે વડોદરના મનપા દ્વારા દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જોકે પોલીસ અને પાલિકા તંત્ર વચ્ચે સંકલનનો અભાવ હોવાનું જણાઇ આવ્યું હતું. પાલિકાની ટીમ સવારે દબાણ હટાવવા પહોંચી ત્યારે પોલીસ બંદોબસ્ત મળ્યો ન હતો. જેના કારણે દબાણ હટાવવાની કામગીરી થોડો સમય અટવાઇ પડી હતી. જેનો લાભ લઇને કેટલાક દબાણકર્તાઓ પોતાના લારી-ગલ્લા લઇને ત્યાંથી જતા રહ્યાં હતા. બાદમાં પોલીસ બંદોબસ્ત મળતા દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

naidunia_image

પોલીસ બંદોબસ્ત મળતા પાલિકાની દબાણ શાખાની ટીમ વડોદરાના સંવેદનશીલ કુંભારવાડા ફતેપુરા વિસ્તારમાં દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરી હતી. નાના મોટા ઓટલા, લારી ગલ્લા સહીત શેડના દબાણો દૂર કરી 6 ટ્રક ભરી સામાન જપ્ત કર્યો હતો. દબાણ હટાવવાની કામગીરી દરમિયાન દબાણકારો અને પાલિકાની ટીમ વચ્ચે માથાકૂટ થઇ હતી. એક દબાણકારે પાલિકાની દબાણશાખાના કર્મચારીને જોઇ લેવાની ધમકી પોલીસની હાજરીમાં આપી હતી. દબાણકારો લારી છોડાવી જવાનો પ્રયાસ કર્યો હતો અને પાલિકાની ટીમ સાથે ગેરવર્તણૂક પણ કરી હતી.

ગઇકાલે નાગરવાડા- મચ્છીપીઠના રસ્તા પર દબાણો દૂર કરાયા
ગઇકાલે પાલિકાની દબાણ શાખા દ્વારા કારેલીબાગ પોલીસ સ્ટેશનથી નાગરવાડા થઈને સલાટવાડા અને મચ્છીપીઠ તરફના રસ્તા રેસા પરના ગરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કારેલીબાગ પોલીસના ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ શાખા દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં દબાણ દૂર કરી સામાન જપ્ત કરવામાં આવ્યો હતો