વડોદરા મહાનગરપાલિકાના એન્જિનિયર પર હુમલો, કોર્પોરેટર મયુર ચોવટીયા અને તેમના સમર્થકો સામે પોલીસ ફરિયાદ

બીજી તરફ, કોર્પોરેટર મયુર ચોવટીયાએ કહ્યું કે, અધિકારીએ પહેલા પથ્થર લઈને મારવાનો પ્રયાસ કર્યો, આથી લોકોએ તેમને પકડી લીધા હતા.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Mon, 02 Nov 2026 04:01 PM (IST)Updated: Mon, 02 Nov 2026 04:01 PM (IST)
vadodara-municipal-corporation-engineer-assaulted-police-complaint-filed-against-bjp-corporator-mayur-chovatiya

Vadodara News: વડોદરામાં ફરજ પર હાજર સરકારી કર્મચારીઓની સુરક્ષા પર ફરી ગંભીર સવાલો ઉભા થયા છે. શહેરના વોર્ડ નંબર 4 અંતર્ગત આવતા ખોડિયારનગર રામદેવનગર ત્રણ રસ્તા પાસે ગટરના રીપેરીંગ કામની સ્થળ તપાસ કરવા પહોંચેલા આસિસ્ટન્ટ એન્જિનિયર (AAE) પ્રકાશભાઈ રોહિત પર કોર્પોરેટર મયુર ચોવટીયા અને તેમના સમર્થકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાના આરોપ હેઠળ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ખોડિયારનગર રામદેવનગર ત્રણ રસ્તા પાસે વરસાદી ગટરનું કામ ચાલી રહ્યું હતું. આ કામની ગુણવત્તા અને સ્થિતિની ચકાસણી કરવા VMC આસિસ્ટન્ટ એન્જિનિયર (AAE) પ્રકાશભાઈ રોહિત પોતાની ફરજના ભાગરૂપે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તે દરમિયાન અચાનક કાઉન્સિલર મયૂર ચોવટીયા અને તેમના 10 જેટલા સમર્થકો ત્યાં આવી પહોંચ્યા હતા.

પ્રાપ્ત માહિતી મુજબ, આ શખ્સોએ સ્થળ પર પહોંચીને એન્જિનિયર પર ભ્રષ્ટાચારના આક્ષેપો કરવાનું શરૂ કરી દીધું હતું. મામલો વધુ ઉગ્ર બનતા આરોપીઓએ ઉશ્કેરાઈને પ્રકાશભાઈ સાથે ગાળાગાળી કરી હતી અને તેમની સાથે મારામારી શરૂ કરી દીધી હતી. ફરજ પરના અધિકારી પર જાહેરમાં થયેલા આ હુમલાને કારણે વિસ્તારમાં પણ દોડધામ મચી ગઈ હતી.

આ ઘટનાની જાણ થતાં જ વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓમાં ભારે રોષ વ્યાપી ગયો હતો. VMC એક્ઝિક્યુટિવ એન્જિનિયર વસંત સિંગલ સહિતના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક બાપોદ પોલીસ મથકે દોડી ગયા હતા. ફરજમાં અડચણ ઉભી કરી સરકારી કર્મચારી પર હાથ ઉપાડનાર કાઉન્સિલર અને અન્ય શખ્સો સામે કાયદેસરની ફરિયાદ નોંધવાની તજવીજ પાલિકાના અધિકારીઓ દ્વારા હાલ હાથ ધરવામાં આવી છે.

બીજી તરફ, મારામારીના આ મામલે વોર્ડ 4 ભાજપ કોર્પોરેટર મયુર ચોવટીયાનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, વરસાદી ગટરના ઢાંકણા મામલે અધિકારીને રજૂઆત કરતા તેઓ ઉગ્ર થયા હતા. અધિકારીએ મારા પર પહેલા પથ્થર લઈને મારવાનો પ્રયાસ કર્યો, આથી અધિકારીને લોકોએ પકડી લીધા હતા. બાદમાં મારામારીની આ ઘટના બની હતી.

આ બનાવ અંગે મહાનગરપાલિકાના કર્મચારીઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. કર્મચારી સંગઠનોનું કહેવું છે કે જો જનપ્રતિનિધિઓ જ કાયદો હાથમાં લઈને અધિકારીઓ પર હુમલો કરશે, તો કર્મચારીઓ સુરક્ષિત વાતાવરણમાં કેવી રીતે કામ કરી શકશે? હાલ ભોગ બનનારની ફરિયાદના આધારે પોલીસ આગળની તપાસ ચલાવી રહી છે અને કાયદેસરની કાર્યવાહીની તૈયારીઓ ચાલી રહી છે.