Vadodara: વડોદરા મહાનગરપાલિકાની (VMC) બજેટલક્ષી સામાન્ય સભામાં આજે ભારે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. ત્રણ દિવસ ચાલનારી સભા બીજા જ દિવસે હોબાળા વચ્ચે સમેટાઈ ગઈ અને 7672.21 કરોડનું બજેટ બહુમતીના જોરે મંજૂર કરી દેવામાં આવ્યું. હોબાળાની વચ્ચે વિપક્ષના તમામ 7 સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવતા 40 વર્ષના પાલિકાના ઇતિહાસમાં આ પ્રથમ ઘટના હોવાનું વિપક્ષના નેતાએ દાવો કર્યો હતો.
ચર્ચાના બીજા દિવસે પ્રથમ સેશન દરમિયાન વિપક્ષના મહિલા કાઉન્સિલર પુષ્પા વાઘેલાએ પાણી પુરવઠા મુદ્દે સત્તાપક્ષને ઘેર્યા હતા. તેમણે બજેટ ભાષણમાં 95 ટકા વિસ્તારોમાં પાણી પહોંચાડવાનો દાવો કરવામાં આવ્યો હોવા છતાં વાસ્તવિક સ્થિતિ અલગ હોવાનું જણાવ્યું. પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર ઝોનમાં ટેન્કર મારફતે પાણી પુરવઠા પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ થતો હોવાની વિગતો રજૂ કરતાં સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે તીખી નોકઝોક થઈ હતી.
સભામાં ભારે આક્ષેપ-પ્રતિઆક્ષેપ વચ્ચે મેયર પિંકીબેન સોનીએ વિપક્ષને પોતાની જગ્યાએ બેસીને રજૂઆત કરવા અનેક વખત અનુરોધ કર્યો હતો. પરંતુ પરિસ્થિતિ કાબૂ બહાર જતાં અધ્યક્ષપદેથી તમામ 7 વિપક્ષ સભ્યોને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો. સભા સેક્રેટરી ચિંતન દેસાઈએ નિયમ મુજબ કાર્યવાહી કરાઈ હોવાનું જણાવ્યું.
વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે પાલિકામાં ભ્રષ્ટાચારના આક્ષેપો લગાવતા જણાવ્યું કે, સત્તાપક્ષના સભ્યો કલાકો સુધી બોલે છે, જ્યારે વિપક્ષને અવકાશ આપવામાં આવતો નથી. તેમણે પાલિકાના વહીવટ પર ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા.
સભા દરમિયાન ભાજપના વોર્ડ નંબર 3ના કાઉન્સિલર પરાક્રમસિંહ જાડેજાએ આગામી ચૂંટણી ન લડવાની જાહેરાત કરતાં સભામાં આશ્ચર્ય ફેલાયું. તેમણે પક્ષ પ્રત્યે આજીવન કાર્યકર તરીકે જોડાયેલા રહેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. મેયર સહિત તમામ સભ્યોએ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.
