Vadodara News: વડોદરા મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં યોજાયેલી એક મહત્વપૂર્ણ રિવ્યૂ બેઠકમાં પાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશ બાબુનો કડક મિજાજ જોવા મળ્યો હતો. શહેરમાં વધી રહેલી ગંદકી, ગેરકાયદેસર હોર્ડિંગ્સ અને દિવાળીના તહેવાર ટાણે ધમધમતા ગેરકાયદેસર ફટાકડાના સ્ટોલ મુદ્દે કમિશનર અધિકારીઓ પર રીતસરના લાલઘૂમ થયા હતા અને બેઠકમાં ઉપસ્થિત તમામ અધિકારીઓને કડક શબ્દોમાં ખખડાવ્યા હતા. કમિશનરની આ અચાનક અને આક્રમક ઝાટકણીથી સમગ્ર બેઠકખંડમાં સોપો પડી ગયો હતો.
બેઠકની શરૂઆતમાં જ કમિશનરે શહેરમાં પ્રવર્તતી સફાઈની સ્થિતિ પર નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે આગામી દિવાળીના પર્વને ધ્યાનમાં રાખીને શહેરમાં સ્વચ્છતાની પરિસ્થિતિ અત્યંત ચોખ્ખી હોવી જોઈએ. તહેવારો દરમિયાન નાગરિકોને કોઈ અગવડ ન પડે અને શહેરમાં કચરાના ઢગલા નજરે ન પડે તે માટે સફાઈ કામગીરીને વધુ સઘન બનાવવા કડક આદેશો આપવામાં આવ્યા હતા.
આ ઉપરાંત, શહેરમાં વધતા જતા ગેરકાયદેસર હોર્ડિંગ્સ અને બેનરો સામે પણ કમિશનરે ગંભીર નોંધ લીધી હતી. ટ્રાફિક વ્યવ્સ્થા અને શહેરી સૌંદર્યને નુકસાન કરતા આ હોર્ડિંગ્સ તાત્કાલિક ધોરણે હટાવી દેવા તાકીદ કરવામાં આવી હતી. ખાસ કરીને ચાર રસ્તાઓ અને મુખ્ય જાહેર માર્ગો પર લગાવવામાં આવેલા અનધિકૃત હોર્ડિંગ્સ સામે ઝુંબેશ ચલાવીને કડક કાર્યવાહી કરવા માટે નિર્દેશ અપાયા હતા.
સૌથી મોટો અને ગંભીર મુદ્દો ગેરકાયદેસર ફટાકડાના સ્ટોલનો હતો. આગામી દિવાળીના તહેવારને લઈને સુરક્ષાના ધોરણોને નેવે મૂકીને શહેરમાં અનેક જગ્યાએ ગેરકાયદેસર ફટાકડાના સ્ટોલ ધમધમી રહ્યા હોવાની ફરિયાદો મળી હતી. આ બાબતે ગંભીરતા દાખવતા કમિશનરે ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરને તાત્કાલિક ધોરણે એક્શનમાં આવવા અને આવા તમામ ગેરકાયદેસર ફટાકડાના સ્ટોલને ત્વરિત હટાવવાનો આદેશ આપ્યો હતો. ફાયર સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન કરનારા કોઈપણ ઇસમને છાવરવામાં નહીં આવે તેવી ચેતવણી પણ આપવામાં આવી હતી.
આ બેઠકમાં કમિશનરે તમામ ખાતાના વડાઓ અને અધિકારીઓને પોતાની જવાબદારીઓ ગંભીરતાથી નિભાવવા તાકીદ કરી હતી. તેમણે ચેતવણી આપી હતી કે કામમાં કોઈપણ પ્રકારની લાપરવાહી કે અનિયમિતતા સાંખી લેવામાં આવશે નહીં અને કસૂરવાર અધિકારીઓ સામે પદાધિકારીઓ અને વહીવટી તંત્ર દ્વારા કડક શિસ્તભંગના પગલાં લેવામાં આવશે. કમિશનરના આ તેવરથી પાલિકાના અધિકારીઓમાં ભારે દોડધામ મચી ગઈ છે.
