Vadodara News: વડોદરા મહાનગરપાલિકામાં અધિકારી અને રાજકીય પાંખ વચ્ચેનો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. ખોડીયારનગર સ્થિત રામદેવનગર પાસે બનેલી મારામારીની ઘટના બાદ કોર્પોરેશનનું રાજકારણ અને વહીવટી તંત્ર ગરમ થઈ ગયું છે. વડોદરા કોર્પોરેશનના વરસાદી ગટર વિભાગના આસિસ્ટન્ટ એડિશનલ એન્જિનિયર પ્રકાશ રોહિત સાથે વોર્ડ નંબર-4 ના ભાજપના કોર્પોરેટર મયુર ચોવટિયા દ્વારા મારામારી કરવામાં આવી હોવાનો આરોપ સામે આવ્યો છે. આ બનાવને પગલે વહીવટી વર્તુળોમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા.
મેયરની મધ્યસ્થી નિષ્ફળ ગઈ
ઘટના બાદ મામલો શાંત પાડવા માટે ઉચ્ચ સ્તરેથી પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. મેયર ગીતાબેન મકવાણા દ્વારા બંને પક્ષો વચ્ચે મધ્યસ્થી કરીને સમાધાન કરાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ મેયરની આ મધ્યસ્થી સાવ નિષ્ફળ નીવડી છે. સમાધાનના તમામ પ્રયાસો પર પાણી ફરી વળતા વિવાદ શાંત થવાના બદલે વધુ વકર્યો છે અને મેયરની આબરૂના ધજાગરા ઉડ્યા હોય તેવી સ્થિતિ નિર્માણ પામી છે.
બાપોદ પોલીસ સ્ટેશને ન્યાયની માંગ
આ સમગ્ર વિવાદમાં નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે પીડિત અધિકારી પ્રકાશ રોહિતે આક્ષેપ કર્યો કે, સમાધાન માટેની બેઠક યોજાયા બાદ પણ કોર્પોરેટર દ્વારા સોશિયલ મીડિયામાં એક નવો વીડિયો મૂકવામાં આવ્યો હતો. આ વલણથી નારાજ થઈને કોર્પોરેશનના અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ એકઠા થઈને ન્યાયની માંગ સાથે બાપોદ પોલીસ મથકે પહોંચી ગયા હતા.
મોડી રાત સુધી બાપોદ પોલીસ મથકે અધિકારીઓ દ્વારા કોર્પોરેટર સામે કાયદેસરની ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. અધિકારીઓ સીધા પોલીસ મથકે પહોંચતા વડોદરા કોર્પોરેશનના રાજકારણમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
કાનૂની કાર્યવાહી પર સૌની નજર
સમાધાન ફ્લોપ જતાં હવે આ મામલો સીધો કાનૂની લડાઈ તરફ વળ્યો છે. એક તરફ શાસક પક્ષના કોર્પોરેટર અને બીજી તરફ કોર્પોરેશનનું વહીવટી તંત્ર સામસામે આવી જતાં આ મુદ્દો સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. પોલીસ હવે આ મામલે આગળ શું કાનૂની કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર ટકેલી છે.
